લંડનઃ રિચાર્ડ બ્રેન્સન અને જેફ બેઝોસ જેવા બિલિયોનેર્સનું આકાશને આંબવાનું સ્વપ્ન અંતરિક્ષની મુસાફરી સાથે પરિપૂર્ણ થઈ ગયું છે પરંતુ, સિલિકોન વેલીના જાયન્ટ્સ ચિરકાળ યુવાન રહી શકાય તેવું સ્વપ્ન સાકાર કરવા માગે છે. જ્યારે યુવાન રહેવાની વાત થતી હોય ત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ અને ફેસલિફ્ટ જેવી પ્રક્રિયાઓ પૂરતી ગણાય નહિ. હવે તો વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા અટકાવી મોતને દૂર ધકેલવાની વાત આવી છે.
સિલિકોન વેલી કંપની એલ્ટોસ લેબ્સ દ્વારા વૃદ્ધાવસ્થાના ક્ષેત્રે નિષ્ણાત વિજ્ઞાનીઓની સેવા લેવાઈ છે. એલ્ટોસ યુએસ, યુકે અને જાપાનમાં લેબોરેટરીઝ સ્થાપવાનો ઈરાદો ધરાવે છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને અન્ય બિલિયોનેર ટેક ઈન્વેસ્ટર યુરી મિલ્નેર પણ આ વિચારના સમર્થક હોવાનું બહાર આવ્યું છે.
વૃદ્ધ બનવાની પ્રક્રિયાને ઉલટાવવી તે સૌથી મુશ્કેલ બાયોલોજિકલ સમસ્યાઓમાં એક છે. જોકે, શરીરના કોષોને પુનઃ યુવાની બક્ષવાનું સાહસ હાથ ધરાયું છે તેની પાછળ એક સિદ્ધાંત એવો કામ કરે છે કે કુદરત સેલ્યુલર રીપ્રોગ્રામિંગમાં માસ્ટર હોવાથી વૃદ્ધ કોષો ધરાવતા પેરન્ટ્સ નાના બાળકોને જન્મ આપી શકતા હોય તો માનવી દ્વારા કોષોનું ‘રીપ્રોગ્રામિંગ’ શા માટે નહિ? બાળકોને પેરન્ટ્સ પાસેથી વારસામાં જિનેટિક સામગ્રી પ્રાપ્ત થાય છે. ફલિનીકરણ પછી વયસંબંધિત ફેરફારો દૂર થઈ મૂળભૂત જિનેટિક કોડ્સ સર્જાય છે. પ્રયોગશાળામાં આ પ્રક્રિયાને પાર પાડવાનું સરળ રહ્યું નથી.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસસ્થિત પ્રોફેસર સ્ટીવ હોવાર્થે વૃદ્ધાવસ્થાના મોલેક્યુલર બાયોમાર્કર ‘હોવાર્થ ક્લોક’ને વિકસાવી છે. હોવાર્થની માફક જાપાનની ક્યોટો યુનિવર્સિટીના શિન્યા યામાનાકાએ વૃદ્ધાવસ્થા લાવતા ચાર પ્રોટિન્સની શોધ બદલ ૨૦૧૨માં નોબેલ પ્રાઈઝ મેળવ્યું છે. ‘યામાનાકા ફેક્ટર્સ’ તરીકે ઓળખાતાં આ પ્રોટિન્સને શરીરના કોષ સાથે મિશ્ર કરવાથી તે અવળગતિ-પશ્ચાદગતિ મેળવી અપરિપક્વ કોષની સ્થિતિસ્થાપકતા હાંસલ કરી શકે છે.
ચિરકાળ યુવાની પ્રાપ્ત કરવાના કોષોના ‘રીપ્રોગ્રામિંગ’ના નવાં સાહસમાં સીનિયર વિજ્ઞાની મેન્યુઅલ સેરાનો પણ જોડાયા છે. સેરાનોએ બાર્સેલોનાની ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઈન બાયોમેડિસીન ખાતે આ શોધખોળોનો ઉપયોગ વ્યક્તિગત કોષો નહિ પરંતુ, સમગ્ર ઉંદર પર કર્યો છે. જોકે, તેના પરિણામો મિશ્ર મળ્યાં હતાં. યામાનાકાથી પ્રેરિત ‘બેન્જામિન બટન’ ટ્રીટમેન્ટથી યુવાનીનો કાયાકલ્પ તો જોવાં મળ્યો પરંતુ, આડઅસર તરીકે અતિ દુર્લભ પ્રકારની ગાંઠો - ટ્યુમર્સ ‘ટેરાટોમાઝ’ પણ વિકસી હતી. આનો અર્થ એ થયો કે કોષોને રીપ્રોગ્રામિંગ કરવા જતા કેન્સર સર્જતા જિન્સ પણ જાગ્રત થઈ જાય છે.
ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટમાંથી વિજ્ઞાનલેખક બનેલા રોવાન હૂપરે પોતાના પુસ્તક ‘હાઉ ટુ સ્પેન્ડ અ ટ્રિલિયન ડોલર્સ’ (How to Spend a Trillion Dollars)માં લાંબુ જીવવા વિશે સિલિકોન વેલીના ધનાઢ્યોના વળગણ અંગે વાત કરી છે. તેમણે ગૂગલના કેલિકો તેમજ ઝૂકરબર્ગ અને તેની ડોક્ટર પત્ની પ્રિસિલા ચાન દ્વારા સ્થાપિત ચાન ઝૂકરબર્ગ ઈનિશિયેટિવ નો ઉલ્લેખ કર્યો છે જેઓ વૃદ્ધાવસ્થા નામના રોગમાંથી સાજા થઈ શકાય તેવી માન્યતા ધરાવે છે. પેપાલના પીટર થીએલે પણ એક વખત મૃત્યુને ઉકેલી શકાય તેવી સમસ્યા તરીકે ગણાવ્યું હતું.