વિશ્વના સૌથી કઠોર એન્ટિ-LGBTQ કાયદાને યુગાન્ડાની બહાલીઃ મૃત્યુદંડની પણ જોગવાઈ

યુએસ, યુકે સહિત પશ્ચિમી દેશોએ કાયદાને વખોડ્યોઃ આરોગ્ય અને આર્થિક સહાયમાં કાપની વિચારણા

Wednesday 31st May 2023 05:30 EDT
 
 

કમ્પાલાઃ આખરે પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ યુગાન્ડા અને વિશ્વના સૌથી કઠોર સજાતીયતાવિરોધી (anti-LGBTQ) કાયદાને બહાલી આપી દીધી છે જેમાં સૌથી ગંભીર પ્રકારના સજાતીય સંબંધો બદલ મૃત્યુદંડની જોગવાઈ સામેલ છે. અમેરિકા અને યુકે સહિત પશ્ચિમી દેશો અને યુએન સહિત માનવાધિકાર સંસ્થાઓએ આ કાયદાને ભારપૂર્વક વખોડી કાઢ્યો છે અને યુગાન્ડાની સહાયમાં કાપ મૂકાય તેવું જોખમ સર્જાયું છે. યુગાન્ડાની માનવાધિકાર સંસ્થાઓએ આ કાયદા વિરુદ્ધ દેશની બંધારણીય કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, આફ્રિકામાં યુગાન્ડા સહિત 30થી વધુ દેશમાં સજાતીય સંબંધો ગેરકાયદે છે ત્યારે કેન્યા અને ટાન્ઝાનિયા જેવા પડોશી દેશો પણ આ માર્ગે આગળ વધે તો નવાઈ નહિ.

કઠોર સજાતીયતાવિરોધી કાયદામાં સજાતીય સંબંધો મારફત HIV અને એઈડ્ઝ જેવી જીવલેણ બીમારીઓનો ચેપ ફેલાવનારા અને કાયદા વિરુદ્ધ શ્રેણીબદ્ધ અપરાધ આચરનારાઓ માટે મૃત્યુદંડની તેમજ હોમોસેક્સ્યુઆલિટીનો પ્રચાર કરવા બદલ 20 વર્ષ જેલની જોગવાઈ છે. 78 વર્ષીય પ્રમુખ મુસેવેની તેમના ડેસ્ક પર ગોલ્ડન પેનથી કાયદા પર સહી કરતા હોય તેવી તસવીરો પ્રસિદ્ધ થઈ છે. પ્રમુખે સજાતીયતાને સામાન્ય સંબંધોથી વિકૃત દશા તરીકે ગણાવી સામ્રાજ્યવાદી દબાણોનો પ્રતિકાર કરવા દેશના કાયદાસર્જકોને સલાહ આપી હતી. પ્રમુખ મુસેવેનીએ યુગાન્ડાની પાર્લામેન્ટે માર્ચ મહિનામાં પસાર કરેલું બિલ વધુ વિચાર અર્થે પરત મોકલી સુધારાવધારા કરવા સલાહ આપી હતી. જોકે, તેમના સજાયતીયતાવિરોધી કેટલાક ઉચ્ચારણોએ તેઓ આ કાયદાને સંમતિ આપશે તે મુદ્દે કોઈ શંકા રહેવા દીધી ન હતી. આ બિલના સ્પોન્સર અસુમાન બાસાલિર્વાએ જણાવ્યું હતું કે કાયદા પર સહી કરાયા પછી પાર્લામેન્ટના સ્પીકર અનિતા આમોન્ગના યુએસ વિઝા રદ કરી દેવાયા હતા.

પશ્ચિમી દેશો સહાયમાં કાપના પગલાં લેશે

યુએસ પ્રમુખ જો બાઈડેને યુગાન્ડાના સજાતીયતાવિરોધી કઠોર કાયદાને માનવ અધિકારોના કરૂણ હનનનું પગલું ગણાવી કહ્યું હતું કે અમેરિકા આ કાયદાની અસરો તપાસી યુગાન્ડા સાથેના સંબંધોનું મૂલ્યાંકન કરશે. માનવાધિકારના ગંભીર ઉલ્લંઘન અથવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સહિત તમામને યુએસમાં પ્રવેશ પર નિયંત્રણ અને પ્રતિબંધો સહિત ઘણા પગલાં વિચારાઈ રહ્યા છે. યુકેના ડેવલપમેન્ટ અને આફ્રિકા માટેના મિનિસ્ટર ઓફ સ્ટેટ એન્ડ્રયુ મિશેલે કહ્યું હતું કે આ કાયદો યુગાન્ડાના બંધારણમાં નાગરિકોને અપાયેલી સ્વતંત્રતાનો સંપૂર્ણ ભંગ કરે છે. યુકે કોઈ પણ પ્રકારે મૃત્યુદંડનું વિરોધી છે.

યુગાન્ડાને દર વર્ષે બિલિયન્સ ડોલરની વિદેશી સહાય મળે છે અને નવ વર્ષ અગાઉ આ પ્રકારના બિલ સંદર્ભે થયું હતું તેમ દાતાઓ અને ઈન્વેસ્ટર્સ કડક પગલાં લે તેવી સંભાવના છે. આ કાયદાથી યુગાન્ડાના મેલેરિયા અને HIV વિરુદ્ધ અભિયાનોના ભંડોળોને સહન કરવાનું થશે. ગૂગલ અને માઈક્રોસોફ્ટ સહિતની કંપનીઓના ગઠબંધને પણ કાયદાને યુગાન્ડાના આર્થિક હિતોનો વિરોધી ગણાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter