દુબઇઃ જો તમે આ પચરંગી મહાનગરના કોઈ સુપરમાર્કેટમાં વેજિટેબલ્સ રેક પર નજર કરશો, તો જોવા મળશે કે આ તમામ શાકભાજી યુરોપ કે અમેરિકામાંથી આવે છે. યુએઇ તેની ખાદ્ય જરૂરિયાતોના 85 ટકા જથ્થાની આયાત કરે છે. જોકે હવે આમાં પરિવર્તન આવી રહ્યું છે. તેનું કારણ છે દુબઈ વર્લ્ડ સેન્ટ્રલમાં અલ મકમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે સાકાર થયેલું વિશ્વનું સૌથી મોટું વર્ટિકલ ફાર્મ હાઉસ ‘બુસ્ટોનિકા’. આ ફાર્મહાઉસમાંથી શાકભાજીની પુષ્કળ આવક થઈ રહી છે.
3.30 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ ફાર્મમાંથી વાર્ષિક એક હજાર ટનથી વધુ શાકભાજી ઉગાડવામાં આવે છે એટલે કે દ૨રોજ લગભગ ત્રણ ટન લીલા પાંદડાવાળા શાકભાજીનું અહીં ઉત્પાદન થાય છે.
અહીં લેટ્યૂસ, પાલક, અરુગુલા અને વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડતી ઢગલાબંધ રેક્સ છે. અહીં કોઈ ખેતરમાં લીલા શાકભાજી ઉગાડવા માટે જરૂરી પાણીની સરખામણીમાં 95 ટકા ઓછું પાણી વપરાય છે. દર વર્ષે આશરે 25 કરોડ લિટર પાણી બચાવાય છે. વર્ટિકલ ફાર્મથી થનારા ફાયદા જોતા, યુએઇ સરકારે તાજેતરમાં જ ઇન્ડોર ખેતીમાં 10 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આમ આગામી સમયમાં વધુ વર્ટિકલ ફાર્મ સાકાર થશે.
એકદમ કુદરતી
સામાન્યત કોઇ પણ શાકભાજીના ઉપયોગ પહેલાં તેને ધોવાની જરૂર હોય છે, પણ આ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલા આવી કોઇ જરૂર નથી. તેમાં કોઈ જંતુનાશક કે અન્ય પ્રકારની દવાઓનો ઉપયોગ કરાતો નથી કે તેમાં કોઇ ગંદકી હોતી નથી. શાકભાજીની આવી વિશેષતાને કારણે જ યુએઇના સ્થાનિક લોકો હવે ‘બુસ્ટોનિકા’ની શાકભાજી ખરીદવાનું પસંદ કરે છે.
ગરમ આબોહવા છતાં બારેમાસ શાકભાજી
ગરમ દેશ હોવાના કારણે યુએઇમાં હવામાન મોટો પડકાર છે, પરંતુ વર્ટિકલ ફાર્મમાં આખું વર્ષ પાંદડાવાળા શાકભાજીનું ઉત્પાદન ચાલુ રહેશે. આ વર્ટિકલ ફાર્મ રેતાળ જમીનની સમસ્યાને પણ હલ કરે છે, જ્યાં છોડ ઉગાડવા માટે કુદરતી માટીને બદલે પોષકતત્ત્વના સોલ્યૂશનનો ઉપયોગ કરાય છે. કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે સૂર્યપ્રકાશના વિકલ્પ તરીકે સૌર ઉર્જા સ્રોતના માધ્યમથી એલઇડીના તેજસ્વી પ્રકાશનો ઉપયોગ કરાય છે.
ખર્ચ ઓછો, ઉત્પાદન વધુ
આ ઇન્ડોર ફાર્મ છોડના વિકાસને પ્રોત્સાહન આપવા પ્રકાશ, ભેજ, પોષક તત્ત્વો સહિત પરિબળોને એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વડે ટ્રેક કરાય છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં પણ વધ્યું છે.