વિશ્વના ૧૦ ટકા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઇ શકે

Tuesday 06th October 2020 16:14 EDT
 

જિનિવાઃ વિશ્વભરમાં કોરોના પોતાનું જાળું ફેલાવી રહ્યું છે. છઠ્ઠી ઓક્ટોબરના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૫૮૬૧૧૯૫ અને કુલ મૃતકાંક ૧૦૫૦૬૯૩ થયો હતો જ્યારે કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૨૬૯૭૪૪૬૧ નોંધાઈ હતી. વિશ્વમાં કોરોનાના ઘેરા સંકટ વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે, એ સમય દૂર નહીં રહે કે, વિશ્વના પ્રત્યેક ૧૦ વ્યક્તિએ એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોય. કોરોના સંક્રમિતોની સંખ્યા મુદ્દે અમેરિકા વિશ્વમાં પ્રથમ છે. છઠ્ઠીએ અમેરિકામાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૬૮૭૦૯૨, કુલ મૃતકાંક ૨૧૫૨૧૭ અને રિકવર થયેલા લોકોનો આંક ૪૯૦૬૮૦૮ નોંધાયો હતો જ્યારે કોરોના સંક્રમણ મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આ દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકાએ બીજી ઓક્ટોબરે વિશ્વ વેપાર સંગઠનને પત્ર લખીને વિકાસશીલ દેશો પરથી કોપીરાઇટના નિયમો દૂર કરવા માગ કરી છે. બંને દેશોએ હવે કોરોના દવાઓના ઉત્પાદન અને આયાતને મુદ્દે બૌદ્ધિક સંપદાના નિયમોનો અમલ ન કરવા અપીલ કરી છે. એક તરફ વિશ્વ કોરોનાથી ત્રસ્ત છે ત્યારે જ્યાંથી કોરોના વિશ્વમાં ફેલાયો એ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ પહેલી ઓક્ટોબરે દેશના સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરાવી હતી. 
સાઉદી અરબમાં ઉમરાહનો પ્રારંભ
સાઉદી અરેબિયન સત્તાએ ચોથી ઓક્ટોબરે મોડેથી મક્કાની ઉમરાહનો પુનઃ આરંભ કરાવવાની જાહેરાત કરી હતી. રવિવારે પ્રથમ દિવસે ૬૦૦૦ યાત્રીઓને મક્કાની પ્રસિદ્ધ મસ્જિદમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી.
દર્દી વધશે તો સારવાર અશક્ય
નેપાળના અખબારમાં ૩જીએ પ્રકાશિત અહેવાલમાં સ્વાસ્થ્ય પ્રધાને જણાવ્યું હતું કે, અત્યારે નેપાળમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૩ હજારને પાર થઈ છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૫ હજાર પણ હોય તો દેશમાં આટલા બધા દર્દીઓને એક સાથે સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં ફરીથી લોકડાઉન લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.
કેનેડામાં પ્રવાસ પ્રતિબંધ લંબાવાયો
કેનેડાના પબ્લિક સેફ્ટી પ્રધાન બિલ બ્લેરે બીજીએ કહ્યું કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારીનાં પગલાં રૂપે અમે અમેરિકા સિવાયના વિદેશી પ્રવાસીઓનાં પ્રવેશ પરનો પ્રતિબંધ ૩૧ ઓક્ટોબર સુધી લંબાવીએ છીએ. જોકે આ આદેશ કેટલાક અમેરિકન નાગરિકો અને હંગામી વિદેશી કર્મચારીઓ તેમજ રાજદ્વારીઓ અને ફ્લાઈટ ક્રૂને લાગુ પડશે નહીં.
ઇઝરાયેલમાં દેખાવો કરી શકશે નહીં
ઇઝરાયેલમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શનો પર રોક લગાવતો કાયદો પસાર કરાયો છે. જે લોકો દેખાવો કરશે તેની ધરપકડ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter