જીનિવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બે દિવસીય વર્ચ્યુઅલ એસેમ્બલીમાં પ્રથમ દિવસે ૧૮મી મેએ ભારત સહિત વિશ્વના ૧૨૦થી વધુ દેશોએ કોરોના મહામારી અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસ કેવી રીતે પેદા થયો એની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. વર્ષ ૧૯૪૮માં સ્થપાયેલા વિશ્વ સ્વાસ્થય સંગઠનના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ છે કે જ્યારે આ સંસ્થાની વર્ચ્યુઅલ મીટિંગ મળી હોય. કોરોનાને કારણે પ્રવાસ શક્ય નથી અને પ્રવાસ શક્ય બને તો પણ મિટિંગમાં ટોળાં ભેગા કરવા હિતાવહ નથી. માટે આ પ્રકારની ઓનલાઈન મીટિંગ ચાલી હતી. મિટિંગમાં ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન સંઘે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, વાઈરસના મૂળની સ્વતંત્ર ધોરણે તપાસ કરવામાં આવે. ભારત સહિત લગભગ ૧૨૦થી વધુ દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. જ્યારે ૬૨ દેશોએ ખરડાને સીધો ટેકો આપ્યો હતો.
૧૯મી મેના અહેવાલો મુજબ વિશ્વભરમાં કોરોનાના કેસનો આંકડો ૪૭૩૧૫૫૮, મૃત્યુ ૩૧૬૧૬૯ અને સાજા થયેલાં લોકોની સંખ્યા ૧૯૩૭૪૮૬ નોંધાઈ છે. જોકે આ મહામારી માટે ઓસ્ટ્રેલિયાએ થોડા દિવસ પહેલા સ્વતંત્ર તપાસની ડિમાન્ડ કરી હતી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વારંવાર ખુલીને કહી ચૂક્યા છે કે આ વાઈરસ ચીને પેદા કર્યો છે અને ચીનને તેની સજા થવી જોઈએ. અન્ય દેશો સીધા ચીન સામે બાંયો ચડાવતા નથી કે બોલતા નથી, પરંતુ આ પ્રસ્તાવને ટેકો આપીને ચીન સામેનો છૂપો રોષ અન્ય દેશોએ પણ વ્યક્ત કરી દીધો છે. આ પ્રસ્તાવમાં ચીન કે વુહાનનું ક્યાંય નામ નથી, પરંતુ તપાસ દ્વારા બધા ચીનનો રોલ સ્પષ્ટ કરવા માંગે છે એ વાત નક્કી છે. ઓસ્ટ્રેલિયાએ અગાઉ સીધો જ આક્ષેપ કર્યો હતો કે વાઈરસના ફેલાવામાં ચીનનો કોઈ રોલ છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.
ડિસેમ્બરમાં રોગચાળો ફેલાવાની શરૂઆત થયા પછી પહેલી વાર ભારતે ચીન વિરુદ્ધ આડકતરી રીતે સમર્થન આપ્યું છે. જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂ ઝિલેન્ડ, રશિયા, યુકે, કેનેડા, સાઉદી અરબ, આફ્રિકા ખંડના દેશો, તુર્કી, વગેરે દેશોએ પણ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. ડબલ્યુએચઓના કુલ ૧૯૪ સભ્યો છે. આ સભ્યોની દર વર્ષે મળનારી આ એસેમ્બલી એ મહત્ત્વની મિટિંગ છે, કેમ કે તેમાં નીતિ-નિર્ધારણ નક્કી થાય છે.
આ એસેમ્બલીને ખુલ્લી મુકતાં ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર ટેડરોસ અધનોમે જણાવ્યું હતું કે ડબલ્યુએચઓના ઈતિહાસની આ સૌથી મહત્ત્વપૂર્ણ મિટિંગ છે. કોરોના વાઈરસના ફેલાવા પાછળ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બેદરકારી પણ જવાબદાર છે, એવું ઘણા દેશો માને છે. અમેરિકાએ તો ડબલ્યુએચઓને ચીન તરફી ગણાવી તેનું ફંડ અટકાવી દીધું છે. માટે ડબલ્યુએચઓએ હવે તટસ્થ સાબિત થવા પણ પ્રયાસો કરવાના રહેશે.
કડક સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન
કોરોનાના સંકટ બાદ હવે ન્યૂ ઝીલેન્ડમાં કેફે ખોલી દેવાયા છે. જો કે સામાજિક અંતર સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવાનો આદેશ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વડાં પ્રધાન જેસિકા ઓર્ડને જાતે જ ઓલિવ કેફેમાં પ્રવેશ માટે ૧૭મી મેએ ૪૫ મિનિટ રાહ જોવી પડી હતી. તેઓ કેફેમાં ગયા હતા. ત્યારે સામાજિક અંતર રાખવાના નિયમ પ્રમાણે કોઈ જગ્યા ન હતી. તેથી જ જગ્યા થાય ત્યાં સુધી તેમણે રાહ જોવી પડી હતી.
ધનિકો ન્યૂ યોર્ક છોડી રહ્યાાં છે
મહાસત્તા અમેરિકામાં કોરોનાને કારણે ધનિકો શહેર છોડી રહ્યા હોવાના સમાચાર છે. આશરે ૪.૨૦ લાખ લોકોએ કોરોનાના કારણે ન્યૂ યોર્ક છોડી દીધું હોવાના અહેવાલ પ્રકાશિત થયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોનાના કારણે વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં ૧૫ લાખથી વધુ કોરોનાના કેસ અને ૯૦ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. તેમાં સૌથી વધુ અસર ન્યૂ યોર્કમાં થઇ છે. જ્યાં સાડા ત્રણ લાખથી વધુ દર્દી અને ૨૮ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
જોકે ૧૭મી મેના અહેવાલો પ્રમાણે અમેરિકામાં ૫૦માંથી ૧૯ રાજ્યોમાં સંક્રમણ દર ઘટ્યો છે. યુએસમાં ૩૦ રાજ્યોમાં લોકડાઉનમાં છૂટછાટ પણ અપાઈ છે. જે રાજ્યોમાં સંક્રમણ દર ઘટ્યો છે તેમાં ન્યૂ યોર્ક, મેસાચ્યુસેટ્સ હવાઇ અને અલાસ્કા મુખ્ય છે. બીજી તરફ ન્યૂ ઓર્લિયન્સમાં એપ્રિલમાં રોજના સંખ્યાબંધ કેસ આવતા હતા ત્યાં હવે રોજના ૫૦થી પણ ઓછા કેસ આવી રહ્યા છે. અહીં સોમવારથી મીટ પ્લાન્ટ ફરી ખૂલવાની જાહેરાત થઈ હતી. સેંકડો કર્મચારીઓને તેનાથી રોજી મળે છે. અમેરિકાના બે તૃતીયાંશ રાજ્યોનું માનવું છે કે સ્થિતિ સુધરી રહી છે. દેશનાં ૩૦ રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપી છે. ૧૧ રાજ્યએ અમુક ક્ષેત્રોમાં લોકડાઉનમાં છૂટછાટ આપી છે. ૫ રાજ્યમાં હજુ પણ સખત લોકડાઉન છે. અમેરિકામાં લોકડાઉનમાં છૂટ હેઠળ બીચ, જિમ, રિટેલ શોપ્સ, રેસ્ટોરન્ટ, બાર, સલૂન, થિયેટર, ઉદ્યોગો, ઓફિસ, ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી અપાઇ છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે.
પાકિસ્તાનમાં બજાર ખુલ્લી રાખવા આદેશ
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ૧૮મી મેએ આદેશ આપ્યો હતો કે, દરરોજ શોપિંગ મોલ્સ, અનાજ-કરિયાણા અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખવા. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયધીશોની બેંચે દેશભરની તમામ દુકાનોને રાહત આપી હતી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો દુકાનો બંધ રાખવામાં આવશે તો વેપારીઓ અને તેમનો પરિવાર કોરોનાથી નહીં, પણ ભૂખમરાથી મરી જશે. એવી દલીલ થઈ હતી કે વેપારીઓને પાંચ દિવસ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવી જોઈએ અને બે દિવસ દુકાનો બંધ રાખવી જોઈએ.
એ દલીલના જવાબમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોએ કહ્યું હતું કે એવી દલીલ પાયાવિહોણી છે. કારણ કે કોરોના શનિ-રવિમાં ક્યાંય જવાનો નથી.
કોરોનાની અસરકારક દવા શોધવાનો દાવો
બાંગ્લાદેશી ડોક્ટરોની એક ટીમે જંતુનાશક અને એન્ટિબાયોટિકનાં મિશ્રણથી એવો એન્ટિડોટ તૈયાર કર્યો છે. સંશોધક અને બાંગ્લાદેશ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. મોહંમદ તારિક આલમનું કહેવું છે કે અમે કોરોનાના ૬૦ દર્દીઓ પર દવાનો ઉપયોગ કર્યો છે અને બધા જ ઉપર સકારાત્મક પરિણામ મળ્યાં છે. મોહંમદ તારિકનો દાવો છે કે, દવા ઘણી કારગર છે. તે આપ્યાના ૪ દિવસ બાદ જ કોરોનાનો દર્દી સાજો થઇ જાય છે અને તેની કોઇ આડઅસર પણ જોવા મળી નથી. સંશોધકોનું કહેવું છે કે, આ દવાની એચઆઇવી, ડેન્ગ્યૂ, ઇન્ફ્લૂએન્ઝા અને ઝીકા વાઇરસ પર પણ અસરકારક છે.
કેન્યામાં ઓવરટાઇમ કરતી નર્સ માટે ઝુમ્બા સેશન
કોવિડ-૧૯ કોરોના વાઇરસના પગલે કેન્યામાં આવેલી હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સો અને અન્ય મેડિકલ સ્ટાફ અનેક દિવસથી ઓવરટાઇમ કરી રહ્યો છે. કેન્યાની રાજધાની નૈરોબીમાં આવેલી કેન્યાટા યુનિવર્સિટી ટીચિંગ, રેફરલ એન્ડ રિસર્ચ હોસ્પિટલની છે. આ હોસ્પિટલના કેમ્પમાં નર્સનો માનસિક તણાવ દૂર કરવા એક ઝૂમ્બા ડાન્સ ફિટનેસ સેશનનું આયોજન કરાયું હતું. કેન્યામાં અત્યાર સુધી કોરોના વાઇરસના ૯૧૨થી વધુ દર્દી નોંધાયા છે અને ૫૦થી વધુનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.
હિમાલય સ્પષ્ટ દેખાયો
લોકડાઉનને લીધે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સાફ હવાને લીધે નેપાળનાં કાઠમંડુની ઘાટીમાંતી ફરી એકવાર માઉન્ટ એવરેસ્ટના સુંદર પહાડ જોવા મળી રહ્યાાની તસવીર સામે આવી છે. લોકડાઉનને લીધે સ્વચ્છ બનેલી હવાને લીધે કાઠમંડુ ઘાટીથી ૨૦૦ કિલોમીટર દૂર સ્થિત માઉન્ટ એવરેસ્ટ ઘણા વર્ષો બાદ જોવા મળી રહ્યાો છે. આબોહવા સ્વચ્છ બની રહી છે. જેના લીધે માઉન્ટ એવરેસ્ટના અદભુત નજારા જોઈને લોકો આશ્ચર્ય પામી રહ્યાા છે.