સ્ટોકહોમઃ વિશ્વનાં સૌથી જૂનાં વૃક્ષની ઉંમર ૯,૯૫૦ વર્ષ આંકવામાં આવી છે! જી હા, વિશ્વનું આ સૌથી જૂનું વૃક્ષ જિસસ ક્રાઇસ્ટ કરતાં પણ આઠ હજાર વર્ષ જૂનું છે. વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે ૯,૯૫૦ વર્ષ જૂના ઇતિહાસને સંઘરીને બેઠેલું આ વૃક્ષ પર્યાવરણમાં ધરખમ ફેરફારો છતાં પણ અડીખમ ઊભેલું છે. સ્વિડનના ડાલારના પ્રાંતમાં આવેલા શંકુ આકારના આ ફરના ઝાડ (સ્પ્રુસ ટ્રી) પર સ્વિડનની ઉમિયા યુનિવર્સિટીના ફિઝિકલ જિયોગ્રાફી વિભાગના પ્રોફેસર લીફ કુલમેને ખાસ સંશોધન કર્યું છે.
પ્રો. કુલમેનના જણાવ્યા અનુસાર જો વૃક્ષોની પ્રજાતિઓની સરખામણી કરવામાં આવી હોત તો ફરના આ ઝાડને એક નવી પ્રજાતિ ગણવામાં આવી હોત, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ વૃક્ષ સૌથી જૂનું હોવાથી હવે તેને જૂની પ્રજાતિનાં વૃક્ષની કેટેગરીમાં મૂકાશે. વૈજ્ઞાનિકોના મતે, આ ઝાડ વિશ્વના ઊંચાણવાળા વિસ્તારોમાં જ જોવા મળે છે.
આ વૃક્ષની વિશિષ્ટતા એ છે કે તે અતિશય નીચા તાપમાન અને પાણીના અભાવ વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સમર્થ છે. જે જગ્યાએ આ ઝાડ છે તેની આસપાસનાં ઝાડ ૩૭૫ વર્ષ, ૫,૬૬૦ વર્ષ અને ૯,૦૦૦ વર્ષની ઉંમર ધરાવે છે.
વૈજ્ઞાનિકોના મતે આ વૃક્ષ માનવવસતીથી ઘણું દૂર આવેલું હોવાથી આજ સુધી તે અડીખમ રહી શક્યું છે. આ વૃક્ષમાં ક્લોનિંગની ક્ષમતા છે એટલે કે પોતાની ડાળીઓ અને મૂળ દ્વારા તે પોતાનાં જેવાં અન્ય વૃક્ષનું સર્જન કરી શકે છે.
ફ્લોરિડાના વૈજ્ઞાનિકોએ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા આ વૃક્ષની ઉંમર વિશે જાણકારી મેળવી છે. આ પહેલાં નોર્થ અમેરિકામાં આવેલું ૫,૦૦૦ વર્ષ જૂનું વૃક્ષ દુનિયાનાં સૌથી જૂનાં વૃક્ષનું બિરુદ ધરાવતું હતું.