બર્નઃ સ્વિત્ઝર્લેન્ડના બર્ન શહેરની હોસ્પિટલમાં એક બહેનને એકસાથે ટ્રિપ્લેટ એટલે કે ત્રણ દીકરીઓનો જન્મ થયો. પ્રિમેચ્યોર જન્મેલી એ ત્રણમાંથી બે દીકરીઓ કોજોઈન્ડ હતી જેને એટલે કે પેટથી જોડાયેલી હતી. આ બંને દીકરીઓનાં નામ માયા અને લિડીયા છે. માયા અને લિડીયા આ બંને દીકરીઓ જન્મી ત્યારથી જ તેની છાતી, હૃદય અને લિવર એમ ત્રણેય અંગો એકબીજા સાથે જોડાયેલાં જ હતા. જન્મના થોડા જ દિવસોમાં એક દીકરીને હાઈપરટેન્શન અને બીજી દીકરીને હાઈપોટેન્શન તકલીફ શરૂ થઈ ગઈ હતી એટલે તેમના જીવ બચાવવા માટે ડોક્ટરોએ બંનેને છૂટા પાડવાનું જોખમી ઓપરેશન કરવાનું નક્કી કરી લીધું. પાંચ કલાક ચાલેલા આ અત્યંત ગંભીર ઓપરેશનને અંતે સાતમી ફેબ્રુઆરીએ તબીબોએ આ બંનેને સફળતાપૂર્વક અલગ પાડી હતી. વિશ્વમાં આટલા નાના બાળક પર આવું ગંભીર ઓપરેશન પ્રથમ છે. હવે ઓપરેશનની સફળતા પછી આ બંને બહેનો વિશ્વની સૌથી નાની વયની સફળતાપૂર્વક છૂટી પડી શકેલી સિયામિઝ ટ્વિન્સ બની ગઈ છે.