વિશ્વનાં સૌથી મોટી વયના વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન મેળવનાર ટોમિકો ઈટૂકાનું 116 વર્ષની વયે નિધન થયું છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે શનિવારે આ જાણકારી આપતા કહ્યું હતું કે આશિયા સિટીના નર્સિંગ હોમમાં ટોમિકો ઈટૂકાનું નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ઈટૂકાનો જન્મ 23 મે 1908ના રોજ થયો હતો. તેઓ પોતાના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં હતાં. ગત વર્ષે 117 વર્ષની મારિયા બ્રાન્યાસના અવસાન બાદ તેઓ સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર થયા હતા. ઓસાકામાં જન્મેલા ઈટૂકા હાઈસ્કૂલમાં વોલીબોલ પ્લેયર હતા. તેઓ 3,067 મીટર ઊંચો માઉન્ટ ઓન્ટેક બે વખત ચઢયાં હતાં. 20 વર્ષની ઉંમરે લગ્ન કરનાર ઈટૂકાને બે પુત્રો અને બે પુત્રીઓ છે. 1979માં પતિના અવસાન બાદ તેઓ નારામાં એકલાં રહેતાં હતાં. એક રિસર્ચ ગ્રૂપના જણાવ્યા અનુસાર, હવે 116 વર્ષીય બ્રાઝિલિયન નન ઈનાહ કેનાબારો લુકાસ સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. તેમનો જન્મ ઈટૂકાના જન્મના 16 દિવસ બાદ થયો હતો.