વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા હોવાનો વિશ્વવિક્રમ ધરાવતાં અને જાપાનના ફૂકુઓકા પ્રિફેકચર વિસ્તારમાં રહેતાં કેન તનાકાએ બીજી જાન્યુઆરીએ પોતાનો ૧૧૯મો જન્મદિન ઊજવ્યો. તેમનો જનમ બીજી જાન્યુઆરી ૧૯૦૩માં થયો હતો. ૨૦૧૯માં તેઓ ૧૧૬ વર્ષની હતી ત્યારે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં તેમનું નામ વિશ્વનાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે નોંધાયું હતું. આ દાદીમા આજે ફુકુઓકાના એક નર્સિંગ હોમમાં રહે છે. ઉંમરના કારણે તેઓ બોલી શકતાં નથી, પણ ઈશારાથી વાત કરે છે. તેમને નંબર પઝલ ઉકેલવાનો ભારે શોખ છે. તેમને ચોકલેટ અને ફિઝી ડ્રિન્ક ભાવે છે. તેમના જન્મના છેક ૧૧ વર્ષ બાદ પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થયું હતું.