જેરુસલેમઃ ગયા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી વધુ વયની વ્યકિતનું સ્થાન મેળવનારા ઇઝરાયેલના યીઝરાયેલ ક્રિસ્ટલનું ૧૧૩ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. યીઝરાયેલ ટ્રીલોકાસ્ટમાંથી બચેલો 'જ્યૂ' હતો. તે ૧૧૪મી જન્મતિથિના એક માસ અગાઉ ૧૨મી ઓગસ્ટે મૃત્યુ પામ્યો હતો તેમ ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું હતું. યીઝરાયેલ બે સંતાનો, ૯ પૌત્રો અને ૩૨ પ્રપૌત્રોને છોડીને ગયો છે. યીઝરાયેલનો જન્મ હાલના પોલેન્ડના ઝારનાઉ ગામમાં ૧૫મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ થયો હતો. જોગાનુજોગ તેના જન્મ પછી ત્રણ માસ બાદ રાઇટ ભાઈઓએ પ્રથમ વિમાનની ઉડાન ભરી હતી. ૨૦૧૬માં ગિનિસ બુકમાં તેને વિશ્વના સૌથી વયોવૃદ્ધ પુરુષનું સ્થાન મળ્યું હતું. ઇઝરાયેલમાં બાળકોને ૧૨મા વર્ષે 'બાર મિતઝવા' નામની ધાર્મિક વિધિ કરાય છે પરંતુ ૧૨મે વર્ષે તેની માતાનું મૃત્યુ થવાને કારણે તે આ વિધિ કરી શક્યો નહોતો. તેના પિતા રશિયામાં સેનામાં હોવાથી યીઝરાયેલની આ વિધિ બાકી રહી ગઈ હતી. તે તેણે ૨૦૧૬માં ૧૦૦ વર્ષની ઉંમર બાદ કરી હતી. ક્રિસ્ટલની પુત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેના પિતા ધાર્મિક ભાવનાવાળા હતા. ૧૦૦ વર્ષની ઉંમરે પણ તે સવારમાં નિત્ય પૂજા કરતાં હતા. ક્રિસ્ટલ બીજા વિશ્વ યુદ્ધમાં પછી લોર્ડઝમાં રહીને પરિવારની કન્ફેકશનરી ફેકટરીમાં કામ કરતો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેણે નાઝી ડેથ કેમ્પમાં યાતનાઓ સહન કરી હતી.