નવી દિલ્હીઃ દુનિયામાં માનવી વસતીનો આંકડો 8 બિલિયનને વટાવી ગયો છે. 1950માં વિશ્વમાં માનવીઓની સંખ્યા 2.5 બિલિયન હતી તે હવે ત્રણ ગણા કરતા વધારે થઈ ગઈ છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ના અનુમાન અનુસાર, 2086 સુધીમાં આ આંકડો 10.6 બિલિયને પહોંચી શકે છે. હાલ દુનિયાની વસતીમાં ચીન, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ જેવા દેશોનો સિંહફાળો છે. જોકે ચિંતાની વાત એ છે કે આટલી મોટી વસતીને સારું જીવન કેવી રીતે મળશે અને વસતી પર તાકીદે બ્રેક લગાવાય તો અસંતુલનનો ખતરો છે. આમ થવા પર આગામી કેટલાક દાયકામાં દુનિયામાં વડીલોની વસ્તી સૌથી વધારે રહેશે અને વર્કફોર્સમાં ઘટાડો થશે.
અસમાનતા વધી રહી છે વિશ્વમાં
એક તરફ વિશ્વમાં વસતી વધી રહી છે તો બીજી તરફ અસમાનતા પણ વધી રહી છે. રિપોર્ટ અનુસાર દુનિયાના 10 ટકા અમીરો પાસે 76 ટકા સંપત્તિ છે. આ લોકો પાસે દુનિયાની કુલ કમાણીનો 52 ટકા હિસ્સો જાય છે. જ્યારે દુનિયાના બાકીના 50 ટકા લોકો પાસે માત્ર 8.5 સંપત્તિ છે. જ્યારે સૌથી અમીર 10 ટકા લોકોએ 48 ટકા કાર્બન ઉત્સર્જિત કરે છે. જેનું નુકસાન ગરીબોએ વેઠવું પડે છે. યુએનના રિપોર્ટ પ્રમાણે, સરેરાશ અમેરિકન લોકોની કમાણી આફ્રિકાના લોકોની તુલનામાં 16 ગણી વધારે છે અને દુનિયાની 71 ટકા વસતી સૌથી વધારે અસામનતા ધરાવતા દેશોમાં રહે છે. ભારત તેમાં સામેલ છે.
82 કરોડ લોકોને ભોજનની સમસ્યા
દુનિયામાં આજે પણ 82 કરોડ લોકો બે ટંકનું ભોજન મેળવી શકતા નથી. રશિયા-યૂક્રેન યુદ્ધે ખાદ્યાન્ન અને ઊર્જા સંકટ વધાર્યું છે. જેનાથી સૌથી વધારે અસર વિકાસશીલ દેશો પર પડી રહી છે. 1.4 કરોડ બાળકો એવા છે જેઓ ગંભીર રીતે કુપોષણનો શિકાર છે. દુનિયાભરમાં મરનારા બાળકોમાં 45 ટકા એવા હોય છે જેઓ ભૂખ અને અન્ય કારણોસર મૃત્યુ પામે છે.
કુદરતી આફતોથી સંકટ વધ્યું
કુદરતી આફતો છેલ્લા કેટલાક સમયથી વધી છે. કાર્બન ઉત્સર્જનમાં વધારો થઈ રહ્યો છે અને તાપમાનમાં વધારાને કારણે પૂર, તોફાન અને દુષ્કાળ જેવા સંકટ આવી રહ્યા છે. રોજ આ આફતોને કારણે 115 લોકોના મોત થઈ રહ્યા છે. જોકે, વોર્નિંગ સિસ્ટમ મજબૂત હોવાને કારણે અને ડિઝાસ્ટર મેનેજમનેટ સારું હોવાને કારણે લોકોના મોતની સંખ્યા ઘટી રહી છે તે પણ હકીકત છે.
2050 સુધીમાં 10 પૈકી 7 લોકો શહેરમાં
દુનિયાની લગભગ 56 ટકા વસતી એટલે કે 4.4 બિલિયન લોકો શહેરોમાં રહે છે. અંદાજ છે કે 2050માં દર 10 પૈકીના સાત લોકો શહેરોમાં રહેતા હશે. તેનો અર્થ એ છે કે આઠ બિલિયન પૈકી છ બિલિયન લોકો શહેરોમાં રહેતા હશે. તેના કારણે આગામી 25 વર્ષ ખૂબ જ પડકારજનક રહેશે.
વૃદ્ધો અને કિશોરોની સંખ્યા થશે સમાન
ભારત, ચીન સહિત દુનિયાભરના દેશો વસ્તીને નિયંત્રિત કરવા પ્રયાસરત છે. જોકે, સંકટ એ પણ છે કે આવનારા સમયમાં વધારે વય ધરાવતા લોકોની સંખ્યામાં મોટો વધારો થશે. 2050 સુધીમાં યુવાનો કરતાં વૃદ્ધોની વસતી વધારે રહેશે. 65 વર્ષ અથવા તો તેનાથી વધારે વયના લોકોની સંખ્યા પાંચ વર્ષના બાળકોની તુલનામાં વધારે રહેશે. જ્યારે 12 વર્ષની વયના કિશોરોની તુલનામાં તેમની સંખ્યા સમાન રહેશે.