સિડનીઃ વિશ્વની સૌથી ઊંચી ‘મહાકાય’ ગાયનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. યુટ્યુબ પર આ ગાયના વીડિયોને 50 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે, અને આ આંકડો વધી જ રહ્યો છે. આ ગાયની ઊંચાઈ જાણીતા બાસ્કેટ બોલ ખેલાડી માઈકલ જોર્ડન જેટલી એટલે કે, 6 ફૂટ 6 ઈંચ છે અને તેનું વજન 1.5 ટન છે. આ ગાય આમ તો 2019માં જાણીતી થઇ ગઇ હતી, પણ હવે તેનો વીડિયો ફરી દુનિયાભરમાં વાયરલ થયો છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના માલિકને દુનિયાભરમાંથી ઈન્ટરવ્યુ માટે સવાસોથી વધુ ફોન આવી ચૂક્યા છે. વોશિંગ્ટન યુનિવર્સિટીની બાયોલોજી લેબના વૈજ્ઞાનિકોના મતે, ગાયની મહાકાય કદ પાછળનું કારણ મ્યુટેશન હોઈ શકે છે. આ પહેલા 2015માં 6 ફૂટ અને 4 ઈંચની ઊંચાઈ ધરાવતી ગાયનું નિધન થયું હતું. અમેરિકાની તે ગાય તેની વધુ ઊંચાઈને કારણે જ કતલખાને જતા બચી હતી.