ન્યૂ યોર્કઃ વિશ્વની સૌથી પાતળી મિકેનિકલ વોચ બનાવવાની સિદ્ધિ ફેરારીએ મેળવી છે. રિચાર્ડ મિલે દ્વારા ફેરારીના સહયોગમાં તૈયાર કરાયેલી આ નવી વોચે થોડા સમય પહેલાં જ 1.80 એમએમની જાડાઈ સાથે રેકોર્ડ સર્જનારી બલ્ગારીની ઘડિયાળના રેકોર્ડને ધ્વસ્ત કરી નાખ્યો છે. બલ્ગારીની 1.80 એમએમની વોચ કરતાં પણ RM UP-01 ફેરારી વોચ 0.05 એમએમ વધારે પાતળી છે એટલે કે તે 1.75 એમએમની છે. આટલી પાતળી ઘડિયાળ બનાવીને ફેરારીએ ટેક્નિકલ કૌશલ્યના મોરચે નવી સરસાઈ મેળવી છે, તેની સાથે વોચ મિકેનિક્સના નવા સીમાચિહ્ન પણ અંકિત કર્યા છે. અહીં એસ્થેટિક્સ કરતાં ટેક્નિકાલિટીઝનું વધારે મહત્ત્વ હોય છે.
જોકે આ વોચના માલિક બનવું સરળ નથી. તેના માટે તમારે ખિસ્સું નહીં પણ બેન્ક એકાઉન્ટ ખાલી કરવાની તૈયાર રાખવી પડે એમ છે. આ સ્લીમેસ્ટ ઘડિયાળની કિંમત 1.8 મિલિયન ડોલર (14.29 કરોડ રૂપિયા) છે. વિશ્વમાં આ પ્રકારની ઘડિયાળના ફક્ત 150 પીસ જ બનાવવામાં આવ્યા છે. રિચાર્ડ મિલે જ્યારે વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ બનાવવાનો પ્રારંભ કર્યો ત્યારે તેને સમજાયું હતું કે પ્રારંભમાં જે કન્સેપ્ટ વોચ હતી, તેનાથી RM UP-01 ફેરારી એકદમ અલગ જ વોચ છે.
આ વોચ વિક્સાવવામાં 6000 કલાકથી વધુ સમય લાગ્યો છે. આ ઘડિયાળ માત્ર શો-પીસ નથી, તેને દૈનિક જીવનમાં પહેરી પણ શકાય છે.
આ ઘડિયાળમાં 90 ટકા ગ્રેડ ટાઈટેનિયમ અને ચાર ટકા વેનેડિયમ છે. આ સંયોજનના લીધે મટિરિયલ મિકેનિક્સ પ્રોપર્ટીઝમાં વધારો થયો છે. તેનો એરોસ્પેસ, એરોનોટિક્સ અને ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝમાં વારંવાર ઉપયોગ થાય છે. આ ઘડિયાળમાં પાવર રિઝર્વેશન 45 કલાકનું છે.
ઉલ્લેખનીય છે કે બલ્ગારીએ હજી ચાર મહિના પહેલા જ ઓક્ટો ફિસિમો અલ્ટ્રા વોચ બનાવી હતી અને તેનો ભાવ 3,32,700 પાઉન્ડ (3.33 કરોડ રૂપિયા) હતો. વોચ એક્સપર્ટ્સ નવા વિક્રમને હકારાત્મક સરપ્રાઈઝ ગણાવ્યું હતું.