વિશ્વની સૌથી લાં....બી રાઇડેબલ સાઈકલ

Tuesday 02nd July 2024 06:02 EDT
 
 

એમ્સટર્ડમઃ નેધરલેન્ડ્સમાં આઠ એન્જિનયરોના એક ગ્રૂપે કમાલ કરી છે. કંઇક નોખું - અનોખું સર્જવા પ્રયત્નશીલ ઇજનેરોએ દુનિયાની સૌથી લાંબી સાઈકલ તૈયાર કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાઈકલની લંબાઈ અધધધ 180 ફૂટ 11 ઈંચ છે. અને જો લાં....બીલચ્ચ સાઈકલની સરખામણી કરવી હોય તો કહી શકાય કે તે બે બ્લૂ વ્હેલ અથવા તો ચાર ડબલ ડેકર બસ જેટલી લાંબી છે.
આ સાઈકલને ગિનેસ બુકમાં સ્થાન પણ મળી ગયું છે, અને તેમાં કંઇ નવાઇની વાત પણ નથી. અને હા, આ સાઈકલ માત્ર દેખાડા એટલે કે પ્રદર્શન માટે નથી બનાવવામાં આવી. તે વર્કિંગ કંડિશનમાં છે. મતલબ કે જો તમારા પગમાં તાકાત હોય તો... તમે તેના પર બેસીને ચલાવી પણ શકો છો.
વિશ્વની સૌથી મોટી અને લાંબી સાઈકલ બનાવવાનું સપનું હતું 39 વર્ષના ઈવાન શાકનું. ઇવાન બાળપણથી જ સાઈકલ બનાવીને રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માંગતો હતો. ઘણા સમયથી કાર્નિવલ ફ્લોટ્સ બનાવતા ઈવાને સ્પેર ટાઈમનો ઉપયોગ સાયકલ બનાવવા માટે કર્યો હતો. સાઈકલ બનાવનારી ટીમના ચીફ એન્જિયર ઈવાન કહે છે કે આ મારું બાળપણનું સપનું હતું. જોકે તેને સાકાર થતાં વર્ષોનો સમય લાગી ગયો છે. આજથી છ વર્ષ પૂર્વે 2018માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. પણ કોરોનાને કારણે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો.
વિશ્વમાં સૌથી લાંબી સાઈકલ બનાવવાનો આ પહેલાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના એન્જિનિયર બર્ની રયાનના નામે હતો. તેણે 2020માં 155 ફૂટ લાંબી સાઈકલ બનાવી હતી. આ પૂર્વે 1995માં જર્મનીના વ્યક્તિએ 26 ફૂટ 3 ઈંચની સાઈકલ બનાવીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતું. જોકે નેધરલેન્ડના ભાયડાઓએ વિક્રમ સર્જવાની લાયમાં બર્ની રયાનની 155 ફૂટ લાંબી સાઈકલ કરતાં પણ 25 ફૂટ અને 11 ઈંચ લાંબી સાઈકલ બનાવી નાંખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter