વિશ્વની ૧૦૦ સદાબહાર તસવીરોમાં બાપુ અને ચરખો

Monday 05th December 2016 09:30 EST
 
 

ન્યૂ યોર્કઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સન ૧૯૪૬માં ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ‘ટાઇમ’ મેગેઝિને ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં સ્થાન આપ્યું છે. ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાને બદલી નાખનારી ૧૦૦ તસવીરોમાં આ તસવીરનો સમાવેશ કર્યો છે. મહાત્મા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અમેરિકન ફોટોગ્રાફર માર્ગારેટ બર્ક-વ્હાઇટે ઝડપી હતી.
તસવીરમાં ચશ્માં પહેરેલા ગાંધીજી જમીન ઉપર બેઠેલા અને કંઈક વાંચી રહેલા જણાય છે, જ્યારે તેમની આગળના ભાગે ખાદી કાંતવાનો ચરખો જોવા મળે છે. આ તસવીર ખરેખર ભારતીય નેતાઓને સંબંધિત એક સમાચાર માટે લેવામાં આવી હતી, પરંતુ ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા થયા બાદ આ તસવીરનો ઉપયોગ તેમને આપવામાં આવેલી અનેક શ્રદ્ધાંજલિમાં કરવામાં આવ્યો હતો. ‘ટાઇમ’ મેગેઝિને આ તસવીર અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે બહુ ટૂંક સમયમાં જ આ તસવીર ક્યારેય નષ્ટ ન થનારી છબી બની ગઈ હતી, જેમાં સવિનય કાનૂનભંગના પ્રણેતા પોતાના સૌથી શક્તિશાળી શસ્ત્ર સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરને કારણે ભારતની બહાર ગાંધીજીની છબી શાંતિદૂત તરીકે સ્થાપિત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ તસવીર ખેંચવામાં આવી ત્યારે ગાંધીજીના સચિવ પ્યારેલાલે એવી શરત મૂકી હતી કે માર્ગારેટ ચરખો ચલાવવાનું શીખશે તો જ તેને તસવીર લેવા દેવામાં આવશે. માર્ગારેટે આ શરત સ્વીકારી હતી, અને તેઓ ખુદ ચરખો કાંતતા શીખ્યા હતા.
‘ટાઇમ’ મેગેઝિને ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં ૧૮૨૦થી માંડીને ૨૦૧૫ સુધી લેવામાં આવેલી તસવીરોનો સમાવેશ કર્યો છે. ‘ટાઇમ’ મેગેઝિનના જણાવ્યા અનુસાર આ તસવીરો લોકોનાં માનસમાં હંમેશને માટે સ્થાન જમાવી ચૂકી છે. આ તસવીરોમાં સમુદ્ર તટ ઉપર પડેલા માસુમ અલાન કુર્દીનાં શબનો પણ સમાવેશ થયો છે. આ શરણાર્થી માસુમ તેના પરિવાર સાથે અન્ય દેશમાં સ્થળાંતર કરી રહ્યો હતો ત્યારે અધવચ્ચે જ કાળ તેને ભરખી ગયો હતો. હૈયું હચમચાવી નાખતી આ તસવીરથી દુનિયાભરમાં શરણાર્થીઓની દારુણ સ્થિતિ વિશે ચર્ચાનો વંટોળ ઉઠ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter