આટલું મોટું વાદ્યયંત્ર જોઈને કોઈને એમ થાય કે પ્લેન ઊડાડવા માટે જેમ અનેક સ્વીચો પાડવાની હોય છે તેમ અહીં પણ સ્વીચો પાડવાની છે કે શું? આ વાદ્યયંત્રને જોઈને પહેલો સવાલ તો એ જ થાય કે આમાં આટલી બધી સ્વીચો શા માટે છે? અને તેનો ઉપયોગ શું છે? આ વિશાળકાય વાદ્યયંત્રનું નામ છે પોસાયડન. તેને વર્લ્ડ લાર્જેસ્ટ પાઇપ ઓર્ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓર્ગેનિસ્ટ ડિલાન ડેવિડ શોએ તાજેતરમાં તેને વગાડીને સંગીતમય સુરાવલિઓ વહાવી હતી. ન્યુ યોર્કમાં ન્યુ જર્સી ખાતેના એટલાન્ટિક સિટીના ઓડિટોરિયમમાં બોર્ડવોક હોલ ખાતે શોએ પોસાયડનને વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિશ્વમાં બહુ ગણ્યાગાંઠ્યા લોકો આ પ્રકારનું વાદ્યયંત્ર અત્યંત કાબેલિયતપૂર્વક વગાડી શકે છે. આ વાજિંત્ર પર બેકની પ્રખ્યાત ટ્યુન વગાડવામાં આવી તેના પગલે આ વાજિંત્રનો દરેક અવાજ સમગ્ર હોલમાં ગૂંજી ઊઠ્યો હતો. કેટલાય લોકોની ભારે જહેમતથી વિશ્વનું આ સૌથી મોટું વાદ્યયંત્ર વગાડી શકાયું હતું.