લંડનઃ થોડા સમય પહેલાં જ કેનેડિયન માઈક જેકે વિશ્વના સૌથી તીખાં કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. જોકે, હવે કેરોલિના રીપર્સે જ સૌથી તીખું મરચું હોવાનું સ્થાન ગુમાવી દીધું છે એટલે કે તેની તીખાશ હવે પેપર એક્સ (Pepper X) તરીકે ઓળખાવાયેલાં મરચાંની સરખામણીએ ઓછી હોવાનું બહાર આવ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પેપર એક્સ સૌથી તીખું મરચું હોવાની નોંધ લેવાઈ છે. પેપર એક્સની જીભ અને આખાં શરીરમાં અગન લગાવતી તીખાશ 26,93,000 સ્કોવિલે હીટ યુનિટ (SHU)ની છે જ્યારે કેરોલિના રીપર્સની તીખાશ સરેરાશ 10,64,000 મિલિયન SHU છે.
10 વર્ષની મહેનતનું પરિણામ
અત્યાર સુધી પ્રથમ ક્રમે રહેલા પ્રખ્યાત કેરોલિના રીપર્સ ઉગાડનારા એડ ક્યુરીએ જ પેપર એક્સનું બ્રીડિંગ કર્યું છે. સૌથી તીખાં મરચાંની જાતોનું બ્રીડિંગ કરવા પાછળ તેણે 10 વર્ષ મહેનત કરી છે. પૃથ્વી પર સૌથી તીખાં મરચાંની જાત પેપર એક્સ જ હોવાની વાતો તો વર્ષોથી ચાલતી આવી છે પરંતુ, હવે તેને ગિનેસ બુક દ્વારા સત્તાવાર બહુમાન પ્રાપ્ત થયું છે.
એડ ક્યુરીએ ‘હોટ વન્સ’ શો પર પોતાની ખુશી વ્યક્ત કરી કહ્યું હતું કે આની પાછળ ઘણા લોકોની મહેનત હતી જેને માન્યતા મળી છે. ક્યુરી અને અન્ય બે મરચાં શોખીનોએ શોમાં આખું પેપર એક્સ મરચું ખાવાની હિંમત કરી હતી અને તેમની શી હાલત થઈ હશે તે તમે કલ્પી શકો છો. મરચાને તીખાશ આપતું તત્વ કેપ્સાઈસિન (capsaicin) છે. સામાન્યપણે લોકો એમ માને છે કે સૌથી વધુ કેપ્સાઈસિન તેના બિયાંમાં મળે છે પરંતુ, હકીકત એ છે કે બિયાં જેની સાથે જોડાયેલાં રહે છે તે ટિસ્યુઝમાં સૌથી વધુ કેપ્સાઈસિન હોય છે. મરચાંની અંદરની પાતળી છાલમાં પણ તેનું વધુ પ્રમાણ હોય છે.
તીખાશનો માપદંડ SHU
મરચાંની તીખાશ સ્કોવિલે હીટ યુનિટ (SHU)માં મપાય છે. તીખાશ માપવા માટે મરચાંના અર્કને ખાંડના પાણી સાથે મંદ બનાવાય છે અને પેનલિસ્ટ કે ટેસ્ટર્સ દ્વારા તેને ચાખવામાં આવે છે. અર્કને એટલું મંદ બનાવાય છે કે ટેસ્ટર્સને તેમાં તીખાશ જણાય જ નહિ. જો મરચાંની તીખાશ 1,000 SHU હોય તો તેનો અર્થ એ થાય કે મરચાંના અર્કને તીખાશ જણાય નહિ ત્યાં સુધી એટલે કે 1000 ગણું મંદ બનાવી દેવાય છે.
સામાન્ય રીતે આપણા ધોલર મરચા (bell pepper)ની તીખાશ શૂન્ય હોય છે જ્યારે જલાપેનો મરચાની તીખાશ 2500થી 8,000 SHU હોય છે. રીંછને દૂર રાખવા માટે ઉપયોગમાં લેવાતાં બેર સ્પ્રેમાં કેપ્સાઈસિન અને અન્ય કેપ્સાઈસિનોઈડ્ઝ વપરાય છે અને તેની તીખાશ આશરે 2.2 મિલિયન SHU જેટલી હોય છે.