ન્યૂ યોર્કઃ વિશ્વનું સૌથી મોટું લક્ઝરી ફેશન ગ્રૂપ એલવીએમએચ અમેરિકાની ૧૮૨ વર્ષ જૂની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની ટિફનીને ૧૬.૨ બિલિયન ડોલર (રૂપિયા ૧.૧૬ લાખ કરોડ)માં ટેઇકઓવર કરશે. ફ્રાન્સના એલવીએમએચ જૂથ દ્વારા થનારો અત્યાર સુધીનો આ સૌથી મોટો સોદો બની રહેશે. એલવીએમએચે શેરદીઠ ૧૩૫ ડોલરના ભાવે ટિફની કંપની ખરીદ કરવાની તૈયારી બતાવી છે. એલવીએમએચ ગ્રૂપ કુલ ૪૫૯૦ સ્ટોર અને ૧.૫૬ લાખ કર્મચારી ધરાવે છે.
ગયા વર્ષે એલવીએમએચ ગ્રૂપની આવક ૧૦ ટકા જેટલી વધીને ૫૦ બિલિયન ડોલર રહી હતી. જ્યારે ટિફનીની આવક ૬.૫૩ ટકાના વધારા સાથે ૪.૪૪ બિલિયન ડોલર રહી હતી. એલવીએમએચ ગ્રૂપની આવકમાં અમેરિકાની ભાગીદારી માત્ર ૨૫ ટકા છે. તો ટિફની કંપની પોતાની ૪૦ ટકા આવકમાં અમેરિકામાંથી મેળવે છે.
ટિફની ૧૫ બિલિયન ડોલરની માર્કેટ કેપ તો એલવીએમએચ ગ્રૂપ ૨૨૦ બિલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવે છે. એલવીએમએચ ગ્રૂપના ૭૦ વર્ષના ચેરમેન અને સીઇઓ બર્નાર્ડ આર્નોલ્ટ ફ્રાન્સના સૌથી ધનવાન અને વિશ્વમાં ત્રીજા ક્રમના અમીર છે.
૧૮૨ વર્ષ જૂની ટિફની કંપની
ટિફની જ્વેલરી કંપનીનો પ્રારંભ ૧૮૩૭માં ન્યૂ યોર્કમાં આરંભ થયો હતો. ૧૯૬૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રેકફાસ્ટ એટ ટિફની’માં પણ કંપની વિશે જાણકારી આપવામાં આવી હતી. વિશ્વભરમાં કંપનીના ૩૦૦ જેટલા સ્ટોર્સ આવેલા છે અને કંપની ૧૪,૦૦૦ કર્મચારીઓ ધરાવે છે. કેટલાક વર્ષ કંપનીના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા બાદ ૨૦૧૭માં પાછો વેચાણમાં વધારો થયો હતો. અમેરિકા-ચીન ટ્રેડ વોરને કારણે પણ કંપનીના દેખાવ પર અસર પડી હતી.