વિશ્વનો સૌપ્રથમ ટેક્સ્ટ મેસેજ ૧૯૯૨માં મોકલવામાં આવ્યો હતો અને આ એક શુભેચ્છા સંદેશ હતો. ટેલિકોમ્પ્યુનિકેશન ઓપરેટર કંપની વોડાફોનના એક કર્મચારીએ સાથીદારને મોકલેલા સંદેશમાં લખ્યું હતુંઃ “MERRY CHRISTMAS”. હવે આ અમૂલ્ય એવા પહેલા એસએમએસની હરાજી થવા જઈ રહી છે. ઓક્શનમાં તેના ૧.૭૧ લાખ પાઉન્ડ (આશરે ૧.૭૧ કરોડ રૂપિયા) ઉપજી શકે છે. વિશ્વનો આ પ્રથમ એસએમએસ બ્રિટિશ પ્રોગ્રામર નીલ પોપવર્થે ત્રીજી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ કંપનીના ડિરેક્ટર રિચાર્ડ જાર્વીસને મોકલ્યો હતો. મોબાઈલ કંપની વોડાફોને આ એસએમએસની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. આ એસએમએસની ડિજિટલ નકલની હરાજી પેરિસના એગ્ટન ઓક્શન હાઉસમાં યોજાશે. પોતે લખેલો એક ટચુકડો શુભેચ્છા સંદેશ વિશ્વના પ્રથમ એસએમએસનું બહુમાન મેળવશે અને તેના આટલા ઊંચા મોલ ઉપજી શકે છે તે જાણીને નીલ પોપવર્થ પણ ખુશખુશાલ છે. તેઓ કહે છે કે ૧૯૯૨માં જ્યારે આ રીતે એસએમએસ મોકલ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે તે આટલો બધો લોકપ્રિય થશે. આ સેવા શરૂ થયાને ૨૯ વર્ષ થયા છે. આજે વિશ્વમાં પ્રતિ દિન પાંચ બિલિયન લોકો કરોડો એસએમએસ કરે છે.