રિયાધઃ સાઉદી અરેબિયાની સાઉદી અરામ્કોએ વિશ્વનાં અત્યાર સુધીનાં સૌથી મોટા શેરભરણા (આઇપીઓ) થકી ૨૫.૬ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧.૮૨ લાખ કરોડ ઊભા કર્યા છે. આ સાથે જ તેણે અગાઉ આઈપીઓ દ્વારા ૨૫ બિલિયન ડોલર ઊભા કરનારી ચીનની કંપની અલીબાબાને પાછળ છોડી દીધી છે. અલીબાબાએ ૨૦૧૪માં ૨૫ બિલિયન ડોલરનાં આઈપીઓ દ્વારા આશરે રૂ. ૧.૫૭ લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું.
સાઉદી અરામ્કોનાં ૨૫.૬ બિલિયન ડોલરનાં આઈપીઓને કારણે કંપનીનું વેલ્યુએશન ૧.૭ ટ્રિલિયન ડોલર થયું છે. સાઉદી અરામ્કોએ તેનાં શેરદીઠ ૩૨ રિયાલ એટલે કે ૮.૫૩ ડોલરનાં ભાવથી પબ્લિક ઓફર કરી હતી. કંપનીનાં ૧.૫ ટકા શેર્સ ૪.૬૫ ગણા છલકાયા હતા. જોકે સાઉદીનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આઈપીઓ દ્વારા કંપનીનું વેલ્યૂએશન ૨ ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની છે અને વિશ્વમાં ક્રૂડ ઓઈલનાં ઉત્પાદનમાં તેનો ૧૦ ટકા હિસ્સો છે. સાઉદી અરામ્કોનો વાર્ષિક નફો એપલનાં નફા કરતાં ૫૦ ટકા વધુ છે. શેરનાં લિસ્ટિંગ પછી તે એપલને હટાવીને વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની બનશે.
વેલ્યૂએશન ૧.૭ ટ્રિલિયન ડોલર
વેલ્યૂએશનનાં સંદર્ભમાં સાઉદી અરામ્કોએ ટ્રિલિયન ડોલર ક્લબમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે તેનું વેલ્યૂએશન ૧.૭ ટ્રિલિયન ડોલર થયું છે જ્યારે એપલનું ૧.૨ ટ્રિલિયન ડોલર અને માઈક્રોસોફ્ટ તેમજ અલીબાબાનું ૧.૧ ટ્રિલિયન ડોલર છે. કંપની દ્વારા ૧૨ ડિસેમ્બરથી દેશનાં તાડવુલ સ્ટોક એક્સચેન્જમાં ૩૨ રિયાલનાં ભાવથી ટ્રેડિંગ શરૂ કરાશે. અરામ્કોનાં ૨૦,૦૦૦ કરોડ શેરનું મૂલ્ય ૧.૭૦ લાખ કરોડ ડોલર થાય છે.
ઓઈલ પરનું અવલંબન ઘટાડવા પ્રયાસ
વિશ્વનાં ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં સાઉદી અરામ્કોનો હિસ્સો ૧૦ ટકા છે. કંપની પાસે ૨૬૦૮૦ કરોડ બેરલ ક્રૂડઓઈલનો ભંડાર છે. જ્યારે અમેરિકાની એક્સોન મોબિલ પાસે ફક્ત ૨૦૦૦ કરોડ ઓઈલનો ભંડાર છે. એક્સોન મોબિલ વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. ૨૦૧૮માં તેનો નફો ૨૦૮૪ કરોડ ડોલર હતો. ક્રૂડ ઓઈલનાં ભાવમાં વધઘટ, ક્લાઈમેટ ચેલેન્જ તેમજ આંતરરાષ્ટ્રીય રાજકીય જોખમોને કારણે સાઉદી અરેબિયા ક્રૂડ ઓઈલ પરનું અવલંબન ઘટાડવા માગે છે. આથી શેર વેચીને તે રકમ અન્ય સેક્ટરમાં રોકવા માગે છે.
સૌથી વધુ નફો કમાતી કંપની
સાઉદી સરકારની માલિકીની સાઉદી અરામ્કો નફાનાં સંદર્ભમાં વિશ્વની સૌથી મોટી કંપની છે. ગયા વર્ષે તેણે ૧૧,૦૦૦ કરોડ ડોલરનો નફો કર્યો હતો. જે એપલનાં વાર્ષિક નફા કરતા ૫૦ ટકા વધુ છે. એપલનો કુલ નફો ૫૫૨૫ કરોડ ડોલર હતો. અરામ્કોએ આ વર્ષે પહેલા છ મહિનામાં ૬૮૦૦ કરોડ ડોલર નફો કર્યો છે.