હોંગકોંગઃ કોરોના વાઇરસનો ‘ચેપ’ હવે વૈશ્વિક અર્થતંત્રને પણ લાગ્યો હોવાના અણસાર છે. કોરોના વાઇરસના ભયે શુક્રવારે એશિયા, યુરોપ સહિતના વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. ભારતના બીએસઇ (મુંબઇ શેરબજાર) સેન્સેક્સ સહિત મોટા ભાગના દેશોના શેરબજારોમાં આ ઘટાડા એટલા પ્રચંડ હતાં કે થોડાક કલાકોમાં તો રોકાણકારોની સંપત્તિમાં અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.
ભારતીય શેરબજારમાં સાડા ત્રણ ટકાથી વધુનું ધોવાણ થઇ ગયું હતું તો ટોક્યો, સિડની, સિઓલ અને બેંગકોકના શેરબજારોમાં ત્રણ ટકાથી વધુનો અને જ્યારે જકાર્તાના શેરબજારમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેરબજારોમાં પણ આજે ત્રણ ટકાની આસપાસ ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ મૂક્યો છે કે કોરોના વાઇરસ અંગે મીડિયા કરેલા કવરેજને કારણે બજારમાં ઘટાડો નોંધાયો છે.
૨૦૦૯ની નાણાકીય કટોકટી પછી પ્રથમ વખત શેરબજાર માટે સૌથી ખરાબ સપ્તાહ જોવા મળ્યો છે. રોકાણકારોને ભય સતાવી રહ્યો છે કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર ફરી એક વખત ભારે મંદીમાં સપડાઇ જશે.
બેલારુસ, લિથુઆનિયા, ન્યૂઝિલેન્ડ, નાઇજિરિયા, અઝરબૈજાન, નેધરલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળતા આ વાઇરસથી પીડિત દેશોની સંખ્યા વધીને ૫૭ થઇ ગઇ છે. સાઉથ કોરિયામાં ચીન પછી સૌથી વધુ ૨૩૩૭ કેસો નોંધાયા છે. ચીનમાં ૨૭૮૮ લોકોના મોત સાથે કુલ ૭૮૮૨૪ કેસો નોંધાયા છે. બીજી તરફ મોટા ભાગના દેશની કરન્સીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે અન્ય દેશોના ચલણની સરખામણીમાં અમેરિકન ડોલર મજબૂત બન્યો છે.
ભારતીય શેરબજારમાં ધોવાણ
ચીનમાં ફેલાયેલો કોરોના વાઇરસનો રોગચાળો થોડા મહિનામાં અંકુશમાં આવી જશે અને આર્થિક પ્રવૃત્તિ વેગ પકડશે તેવી આશાઓ પર પાણી ફરી વળતાં ૨૮ ફેબ્રુઆરીએ સપ્તાહના અંતિમ દિવસે ભારત સહિત સમગ્ર વિશ્વના શેરબજારોમાં છેલ્લાં કેટલાંક વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. પરિણામે મુંબઇ શેરબજારનો બીએસઇ સેન્સેક્સ કારોબારના અંતે ૩.૬૪ ટકા એટલે કે ૧૪૪૮ અંક તૂટીને ૩૮,૨૯૭ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો સેન્સેક્સ નિફ્ટી ૪૩૨ પોઇન્ટ એટલે કે ૩.૭ ટકા તૂટીને ૧૧,૧૦૨ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સના ૩૦ મુખ્ય શેરમાં ૮.૧૪ ટકા સુધીનો ઘટાડો થયો હતો. સૌથી વધુ ૯ ટકાનું નુકસાન ટેક મહિન્દ્રાના શેરમાં જોવાયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટીસીએસના શેરોમાં પણ મોટો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં પણ તમામ શેરોમાં મોટું નુકસાન થયું હતું. નિફ્ટી મેટલ અનને મીડિયામાં ૭.૩૪ ટકાનો કડાકો બોલી ગયો હતો.
ભારતીય રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
શેરબજારમાં મચેલા કોહરામના કારણે શુક્રવારે ભારતીય રોકાણકારોની મૂડીમાં રૂ. ૫,૪૫,૪૫૨.૫૨ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા ૧૫૦ લાખ કરોડની સપાટીથી નીચે આવીને રૂ. ૧,૪૬,૯૪,૫૭૧.૫૬ લાખ કરોડ થઈ ગયું હતું.
સપ્તાહમાં ૩ હજાર પોઇન્ટ તૂટ્યા
માત્ર એક જ બીએસઇ સેન્સેક્સમાં ૩૦૦૦ જેટલા પોઇન્ટનો ઘટાડો થઈ ચૂક્યો છે. વીતેલા સપ્તાહના છેલ્લા ૬ કારોબારી દિવસમાં સેન્સેક્સમાં ૨૮૭૨ પોઇન્ટનો ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં રોકાણકારોના રૂપિયા ૧૧.૪ લાખ કરોડ ધોવાઈ ગયા છે.
અંબાણીને પાંચ બિલિયન ડોલરનો ફટકો
કોરોનાથી ઊભા થયેલા આર્થિક સંકટના કારણે રિલાયન્સના મુકેશ અંબાણી ૨૦૨૦માં પાંચ બિલિયન ડોલરનું નુકસાન વેઠી ચૂક્યા છે. અઝીમ પ્રેમજીને ૮૬૯ મિલિયન ડોલર, કુમાર મંગલમ્ બિરલાને ૮૮૪ મિલિયન ડોલર, ગૌતમ અદાણીને ૪૯૬ મિલિયન ડોલરનું નુકસાન થયું છે.
ભારતીય રૂપિયો ગગડ્યો
શુક્રવાર ૨૮ ફેબ્રુઆરીએ કારોબાર દરમિયાન ડોલર સામે રૂપિયો ૭૨.૨૭ની સપાટી પર ગગડી ગયો હતો. કારોબારના અંતે ડોલર સામે રૂપિયો ૭૧.૬૬ની સપાટી પર બંધ આવ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલીને કારણે રૂપિયો ધોવાઈ ગયો હતો.
વિશ્વને ૬ ટ્રિલિયન ડોલરનો ફટકો
ચીનમાંથી ઉદ્દભવેલો કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવા ભય મધ્યે શુક્રવારે સમગ્ર વિશ્વના શેરબજારોમાં હાહાકાર મચી ગયો હતો. સપ્લાય ચેઇન ખોરવાઇ જવાની સંભાવનાના કારણે દુનિયાભરનાં શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ચીનમાં કોરોના વાઇરસના ઉદ્દભવ બાદ જાન્યુઆરી ૨૦૨૦થી અત્યાર સુધીમાં વિશ્વભરમાં રોકાણકારોની મૂડીમાં ૬ ટ્રિલિયન અમેરિકન ડોલરનો ઘટાડો થયો છે.