વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વિશ્વમાં કોરોનાના ૬૪૨૭૯૧૫ કેસ બીજી જૂને નોંધાયા છે. વિશ્વભરમાં આ બીમારીમાંથી સાજા થયેલા લોકોનો આંક ૨૯૪૩૩૦૯ છે અને કોરોનાનો મૃતકાંક વિશ્વમાં ૩૭૯૫૦૩ નોંધાયો છે. આ દરમિયાન અમેરિકામાં કોરોનાના કારણે અપાયેલા લોકડાઉનથી સ્થિતિ વણસી છે. વિશ્વમાં અમીર ગણાતા દેશ ન્યૂ યોર્કમાં કોરોનાએ તબાહી સર્જ્યા પછી હવે અમેરિકામાં ૧૮. ૬૦ લાખ કોરોનાના કેસ નોંધાયા છે. યુએસમાં મૃતકાંક એક લાખથી વધુએ પહોંચી ગયો છે. બીજી તરફ ન્યૂ ઝીલેન્ડમાં પહેલી જૂને વડાં પ્રધાન જેસિંડા અર્ડને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે લગાવાયેલા પ્રતિબંધો આગામી સપ્તાહમાં હટાવવામાં આવી શકે છે. દેશમાં એલર્ટ લેવલ બનેલું રહેશે. હવે સોશિયલ ડિસ્ટેંસિંગ પણ હટાવી દેવાશે. લોકોને ભેગા થવા પર જે પ્રતિબંધ છે હટાવી લેવાશે. હેલ્થ વિભાગે પહેલી જૂને જણાવ્યા પ્રમાણે ૧૧ દિવસથી દેશમાં કોઈ કેસ નોંધાયો નથી. અહીં ૧૫૦૦થી વધુ કેસ નોંધાયા છે અને ૨૦થી વધુ લોકોનાં મોત થયાં છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનો ફેલાવો રોકવા ૭૦ દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી હતી, જેમાંથી ૧૩ દેશોએ હવે સરહદો ખોલી છે. મોટાભાગે યુરોપના દેશોએ આ નિર્ણય કર્યો છે. ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના તથા અન્ય મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાયો છે.
દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ કિટની અછત
દક્ષિણ આફિકામાં તમામ કિટની અછતને કારણે કોરોનાના આશરે ૧ લાખ નમૂનાનો ટેસ્ટ અટકી ગયો હોવાના અહેવાલ ૨૯મી મેએ મળ્યાં છે. આરોગ્ય મંત્રાલયે ૨૯મી મેએ કહ્યું કે, કિટની અછતના કારણે આશરે ૯૬ હજારથી વધુ ટેસ્ટ અટકી પડ્યાં છે. જોકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને આરોગ્યકર્મીઓના નમૂનાને તપાસમાં પ્રાથમિક્ત અપાઇ રહી છે. અન્ય આફ્રિકી દેશોની તુલનામાં દક્ષિણ આફ્રિકામાં સોથી વધુ ટેસ્ટ કરાઇ રહ્યાં છે. ૬.૫૫ લાખથી વધુ ટેસ્ટ જોકે થયાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.
• બ્રાઝીલમાં કોરોનાથી મૃત્યુઆંક ૩૦ હજારને પાર થઈ ગયાના અહેવાલ છે.
• બેલારુસમાં ૩૬૦૦ બાળકો કોરોનાથી સંક્રમિત થતાં હાહાકાર મચ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા ૪૩ હજારને પાર થઈ છે અને ૨૪૦ લોકોનાં મોત થયાં છે.
• ઈટાલીમાં નવી એપને સરકારે મંજૂરી આપી છે. એપનું નામ ઈમ્યૂનિ છે. આ એપનો ઉપયોગ કાયદાકીય રીતે ફરજિયાત કરાયો છે.
• પેરુમાં ૧.૭૦ લાખથી વધારે કેસ થયાં છે.
પેરુમાં પહેલીએ એક દિવસમાં ૫૫૦૦થી વધુ કેસ નોંધાયા છે અને ૧૨૮નાં મોત થતાં ભય ફેલાયો છે. આ સાથે અહીં ૧ લાખ ૭૦ હજાર ૩૯ કેસ નોંધાયા છે અને ૪૬૩૦થી વધુનાં મોત થયાં છે.
• લીબિયામાં કુલ સંક્રમિતોનો આંક ૧૬૮ નોંધાયો છે.
• રોમાનિયાના વડા પ્રધાન લુડોવિક ઓરબાનને પોતાનો જ બનાવાયેલો કાયદો તોડવા બદલ દંડ ભરવો પડ્યો છે. વાઇરલ તસવીરોમાં ઓરબાન નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવી અને જાહેરમાં ધૂમ્રપાન કરતા દેખાયા તે બદલ તેમને દંડ ભરવો પડ્યો છે.