વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે. ૧૨મી મેના અહેવાલ પ્રમાણે વિશ્વમાં કોરોનાના ૪૩૦૫૧૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બીમારીથી ૨૮૯૮૬૬ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે અને ૧૫૫૧૮૭૮ મહામારીમાંથી સાજા થયાં છે. કોરોનાના વધતા કહેર વચ્ચે WHO દ્વારા ફૂડ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં ખાસ કરીને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા, હાથ અને શરીરની સાફસફાઈ કરવા, વાસણ અને કપડા સાફ રાખવા, રાંધ્યા વિનાનું અને રાંધેલું અનાજ જુદું રાખવા, ભોજન સારી રીતે પકાવવા, રૂમનું તાપમાન યોગ્ય રાખવા તાકીદ કરાઈ છે.
કોરોનાને અમેરિકા પ્રમુખ ટ્રમ્પે પ્રજાને કહ્યું કે કોરોના પર્લ હાર્બર અને ૨૦૦૧માં થયેલા આતંકી હુમલા (૯/૧૧) કરતાં પણ ભયાનક છે. ટ્રમ્પે કહ્યું કે , બીમારી ઉપરાંત અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ કોરોનાએ ભારે આંચકો આપ્યો છે. સ્થિતિ એ છે કે ત્રણ કરોડથી વધુ લોકોએ બેરોજગારી ભથ્થાં માટે અરજી કરી છે. વાસ્તવમાં કોરોનાનો હુમલો અત્યાર સુધીનો સૌથી ભયનાક છે. તેને ચીનમાં જ અટકાવી શકાયો હોત, પણ ચીને એવું કર્યું નહીં. જ્યારે ચીને અમેરિકાના આરોપોને ફગાવી દીધા છે. અમેરિકામાં ચીન રાજદૂત સુઈ તીઆંકીએ કહ્યું કે અમેરિકી સરકાર આરોપ-પ્રત્યારોપ લગાવવાની રમત બંધ કરી મહામારીનો સામનો કરવા પર ધ્યાન આપે. તેમણે કહ્યું કે હંમેશા ચીનને ભાંડવાની પ્રવૃત્તિ લાભ માટે કરાતું ગંદુ રાજકારણ છે.
ઉલ્લેખનીય છે કે ૧૨મી મેના અહેવાલો પ્રમાણે અમેરિકામાં કોરોનાના ૧૩૯૨૯૭૬ કેસ નોંધાયા છે અને ૮૨૨૬૭થી વધુનાં મોત આ બીમારીથી થયાં છે. યુએસમાં કોરોનાને હરાવીને ૨૬૩૬૪૧ લોકો સાજા થયાં છે.
અમેરિકા માટે આનંદની વાત એ છે કે ન્યૂ યોર્ક જેવા શહેરોમાં સંક્રમણ થોડું ઘટ્યું છે, પણ અન્ય ભાગોમાં નવા હોટસ્પોટ બનવા લાગ્યા છે. ન્યૂ યોર્કમાં મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધી સરેરાશ ૧ લાખ લોકોમાંથી સરેરાશ ૯.૩ ટકા લોકો સંક્રમિત થતા હતા, જે દર ઘટીને હવે ૮.૬ ટકા થયો છે. જોકે બાકીના અમેરિકામાં આ દર ૬.૨ ટકા હતો તે વધીને ૭.૫ ટકા થઈ ગયો છે. રિસર્ચ એજન્સીઓના જણાવ્યાનુસાર અમેરિકાની મધ્ય-પૂર્વ અને દક્ષિણની કાઉન્ટીઓમાં સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્કની ફેક્ટરીની મુલાકાત લેવા બહાર નીકળ્યા
અમેરિકામાં લગભગ એક મહિના સુધી કોઈ પ્રવાસ ન કર્યા પછી પ્રમુખ ટ્રમ્પ તાજેતરમાં પ્રથમવાર વોશિંગ્ટનની બહાર નીકળ્યા હતા. એરિઝોનાના ફિનિક્સ ખાતે આવેલી માસ્ક ઉત્પાદન ફેક્ટરીમાં તેઓ ગયા હતા. એ સ્થળે સૂચના હતી કે માસ્ક પહેરવા ફરજિયાત છે, પરંતુ ટ્રમ્પે પોતાની આદત પ્રમાણે તેની અવગણના કરી હતી.
બીજી તરફ અમેરિકાએ ભારતથી મોકલાયેલી હાઈડ્રોક્સિક્લોરોક્વિનને વધુ અસરકારક નહીં હોવાનું ગણાવ્યું છે. અમેરિકી રસી વિજ્ઞાની ડો. રિક બ્રાઈટે કહ્યું હતું કે આ દવા ભારતમાંથી આવી છે, ત્યાં તેની કોઈ તપાસ નથી થઈ. એટલે કે દવા વાપરવી જોખમી છે. જોકે આ રસી નિષ્ણાતને થોડા સમય પહેલા અમેરિકી સરકારે બાયોમેડિકલ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર પદેથી કાઢી મુક્યા હતા. આ ડોક્ટરે અમેરિકી સરકારને વારંવાર ચેતવણી આપી હતી અને તેમની લગભગ દરેક ચેતવણી સરકારે અવગણી હતી. એ પછી તેમને પદ પરથી હટાવી દેવાયા હતા, પણ બ્રાઈટે તાજેતરમાં ફરીથી કહ્યું કે ભારત-પાકિસ્તાનની જે ફેક્ટરીઓમાં આ દવા ઉત્પાદિત થઈ છે, ત્યાં કોઈએ તેની ચકાસણી કરી નથી. માટે દવા સાજા કરવાને બદલે માંદા ન કરે એ જોવું રહ્યું.
અમારી લેબોરેટરીમાં વાઇરસ તૈયાર થયાના પુરાવા આપોઃ ચીનનો પડકાર
વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાવનાર ચીન પર વૈશ્વિક આક્ષેપ થઈ રહ્યાં છે કે ચીની લેબોરેટરીમાં કોરોનાનો વાઈરસ તૈયાર થયો હતો અને વિશ્વ ભોગવી રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી વિદેશ પ્રધાન, અમેરિકાના કેટલાક સાંસદો દ્વારા વારંવાર આ આક્ષેપ થયો છે કે વાઈરસ ચીને લેબોરેટરીમાં તૈયાર કર્યો છે. અન્ય દેશોને પણ આવી શંકા છે. જોકે ચીને સતત એ વાતનો રદિયો આપ્યો છે, સાથે સાથે વુહાનની લેબોરેટરી કોઈને તપાસવા દેવાની છૂટ પણ નથી આપી.
ચીને ઉશ્કેરાઈને અમેરિકાને કહ્યુંઃ પુરાવા જાહેર કરો
ચીને અમેરિકાને પડકાર ફેંક્યો છે કે અમારી લેબોરેટરીમાં વાઈરસ તૈયાર થયાના પુરાવા હોય તો જાહેર કરો. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકી વિદેશ પ્રધાન પોમ્પેઓ એવો દાવો કરી રહ્યા છે કે અમારી પાસે વાઈરસ લેબોરેટરીમાં બન્યો હોવાના અનેક પુરાવા છે, તો પછી એ હવે જાહેર કરવા જોઈએ.
અમેરિકા-ચીન વચ્ચે કોરોના મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે બંને દેશના મીડિયામાં પણ એકબીજા પર પ્રહાર થઈ રહ્યાં છે. એ દરમિયાન અમેરિકાએ ચીની પત્રકારોના વિઝાની સમયમર્યાદા ઘટાડી દેતાં ચીન અકળાયું છે. કોરોના વાયરસના ઉદ્ભવ મુદ્દે અમેરિકા સતત ચીનને જવાબદાર ગણે છે. એ મુદ્દે ચીન લાલઘૂમ થયું છે. અમેરિકન મીડિયા પણ વિશ્વભરમાં સતત ચીનને નિશાન બનાવતું હોવાથી આખરે ચીને અમેરિકાને વળતાં પ્રહારની ધમકી આપી છે.
અમેરિકા - ચીનની લડાઈ વચ્ચે પાકિસ્તાનની દુર્ગતિ
કોરોના વાઇરસ ક્રાઇસિસ દરમિયાન અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરમાં પાકિસ્તાન બૂરી રીતે મૂંઝવણમાં મુકાયેલું જોવા મળે છે. કોરોનાના કહેરથી બચવા માટે પાકિસ્તાન પાસે નથી ટેસ્ટ કિટ કે નથી ડોક્ટરો માટે માસ્ક અને પ્રોટેક્ટિવ સૂટ. ત્યાં સુધી કે, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનની કરજ આપવાની અપીલને પણ કેટલાય દેશોએ નજરઅંદાજ કરી રહ્યાં છે.
આર્થિક મંદી અને કોરોના વાઇરસથી તબાહીની સાથે જ અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરમાં પાકિસ્તાનનું પીસાવું નક્કી મનાઇ રહ્યું છે. ક્યારેક અમેરિકાનું માનીતું રહેલું પાકિસ્તાન હાલના દિવસોમાં ચીનના ખોળામાં બેઠેલું છે. પાકિસ્તાનની સ્ટેટ બેન્કે આ વર્ષે દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ સ્થિતિમાં જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી વર્ષોમાં પણ પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો થવાનું દેખાઇ રહ્યું નથી.
શ્રીમંત સ્વિત્ઝર્લેન્ડમાં પણ ફ્રી ભોજન માટે લાંબી લાઈન
કોરોનાને કારણે દુનિયાના કેટલાય દેશોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સૌથી શ્રીમંત દેશોમાં સામેલ સ્વિત્ઝર્લેન્ડમાં પણ ફ્રી ભોજન માટેની લોકોની લાંબી લાઈન તાજતરમાં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ જીનિવામાં ૯મી મેએ એક હજારથી વધુ લોકોએ લાઈનમાં ઊભા રહીને વિનામૂલ્યે ભોજન મેળવ્યું હતું.
સ્વિત્ઝર્લેન્ડમાં ૩૦ હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે. અત્યાર સુધીમાં ત્યાં ૧૮૦૦થી વધુ લોકોના મોત થયાં છે. સ્વિત્ઝર્લેન્ડની વસ્તી માંડ ૮૬ લાખ છે. કોરોનાની અસર એ થઈ કે જીનિવા માં લોકોઓ એક કિ.મી. લાંબી લાઈન લગાવીને શનિવારે ભોજનના પેકેટ જોવા મળ્યા હતા. તે માટે લોકો સવારે ૫ વાગ્યાથી એકત્ર થયા હતા. નિકારાગુઆથી આવેલા જીનિવામાં રહેતા ઈન્ગ્રિડ બરલાએ કહ્યું કે મહિનાને અંતે ગજવું ખાલી થઈ ગયું છે. અમારે બીલ, વીમો અને અન્ય ચીજો ખરીદવા પૈસા આપવાના હોય છે એ સંજોગોમાં એક અઠવાડિયાનું ભોજન મળે એ સારું છું. આવતા અઠવાડિયે શું થશે તે ખબર નથી.
• સાઉથ કોરિયા, જર્મની, ઇરાન અને ઈટલીમાં લોકડાઉન હળવું થતાં જ લોકો બહાર ફરવા લાગ્યા અને કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધવા લાગ્યું. સાઉથ કોરિયામાં નવા કેસ સામે આવતાં ૨૧૦૦ નાઈટ ક્લબ ૧ મહિના માટે બંધ કરી દીધા. જર્મનીમાં લોકડાઉનમાં રાહત આપવામાં આવી પરંતુ કેસ વધવા લાગતાં જર્મનીએ વધારે રાહત આપવાના નિર્ણયને હાલ સ્થગિત કરી દીધો છે. ઈરાનમાં ૧૨૦૦ કેસ સામે આવ્યા છે. તેને પગલે તમામ છૂટછાટ બંધ કરવા વિચારણા કરાઈ રહી છે. ઈટાલીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો સ્થાનિક તંત્રો દ્વારા જાહેર સ્થળો બંધ કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
• રશિયામાં ૧૧મી મેએ છેલ્લા ૨૪ જ કલાકમાં કોરોનના ૧૧૬૫૬ નવા કેસ નોંધાતા હડકંપ મચ્યો હતો. રશિયામાં સંક્રમણનો કુલ આંક ૨.૨ લાખને પાર થયો છે. આશરે ૨૦૦૦થી વધુનાં રશિયામાં મોત થયાં છે. કોરોનાનાં કેસમાં રશિયા હવે અમેરિકા અને સ્પેન પછી ત્રીજા નંબરે આવી ગયું છે.
• ચીનનાં વુહાનમાં કે જ્યાંથી કોરોના વાઈરસ આવ્યો હતો અને આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યાં ફરી નવા કેસ આવવા શરૂ થયાં છે જેથી સરકાર ફરી ચિંતિત બની છે. ચીનમાં એક જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. ચીનનાં શુલાન શહેરમાં લોકડાઉન કરાયું હતું ત્યાં પણ કેસની સંખ્યા ૧૦થી વધતાં સરકાર કડક બની છે. કહેવાય છે કે શુલાનમાં કપડાં ધોનાર મહિલાના સંપર્કમાં આવ્યા પછી કેસ વધ્યા છે. વળી, મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી.
• પાકિસ્તાનમાં દવા અને અન્ય ચીજો માટે લોકો વલખાં મારી રહ્યાં છે તેથી પાકિસ્તાને ભારતને જરૂરી ચીજો મોકલી આપવા કાકલુદી કરી છે. કાશ્મીરમાં ભારતે કલમ ૩૭૦ રદ કર્યા પછી વેપારી સંબંધો તોડી નાખનાર પાકિસ્તાનનાં તેવર હવે ઢીલા પડયા છે. કોરોના સંકટ ઘેરું બનતાં જ તેણે ભારતને ૪૫૦થી વધુ દવાઓ તેમજ અન્ય કેટલીક ચીજો મોકલી આપવા આજીજી કરી છે. પાકિસ્તાને ભારત પાસેથી તમામ પ્રકારની દવાઓ ખરીદવાનું શરૂ કર્યું છે. સરસવનું તેલ પણ મંગાવ્યું છે. જેથી પાકિસ્તાનમાં વિપક્ષોએ વડા પ્રધાન ઈમરાન ખાનની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે.