વોશિંગ્ટનઃ કોરોનાના સંકટે વિશ્વભરમાં ભરડો લીધો છે. ૧૬મી જૂનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૧૬૯૭૫૩ નોંધાઈ હતી. કોરોનાથી ૪૪૦૫૯૩ લોકોનાં મૃત્યુ થયાં અને રિકવર કેસની સંખ્યા ૪૨૬૭૨૧૨ જેટલી નોંધાઈ હતી. ન્યૂ ઝીલેન્ડ કોરોના ફ્રી દેશ જાહેર થયા પછીના ૨૪ દિવસ પછી પાછા ન્યૂ ઝીલેન્ડમાં કોરોનાના બે નવા કેસ નોંધાયા હતા. ત્યાં બંને દર્દીઓ બ્રિટનથી આવ્યા હોવાનું જણાવાયું હતું.
ચીનની રાજધાની બિજિંગમાં ફરી લોકડાઉન લાગુ કરાતાં બિજિંગમાં ૩ હોલસેલ માર્કેટ, તમામ સ્પોર્ટ્સ સેન્ટર અને થિયેટર બંધ કરાયા છે. સોમવારે ચીને જાહેર કર્યું કે, છેલ્લા ૪ દિવસમાં ચીનમાં કોરોનાના ૧૦૬ કેસ નોંધાયા છે. બિજિંગમાં ત્રણ દિવસમાં ૧૦૬ કેસ નોંધાયા છે.
મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા અને ચીને નિર્ણય કર્યો છે કે બંને દેશ એક સપ્તાહમાં ચાર ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. યુએસમાં ૧૬મીએ કોરોનાના કેસની સંખ્યા ૨૧૮૯૫૫૮ અને કોરોનાથી મૃતકાંક ૧૧૮૫૨૦ નોંધાયો છે. સાજા થનારા લોકોની સંખ્યા ૮૯૧૧૧૪ નોંધાઈ છે. અમેરિકામાં ન્યૂ યોર્ક રાજ્યમાં સૌથી વધારે ૩ લાખ ૮૪ હજાર કેસ નોંધાયા છે અને મૃતકાંક ૩૦ હજાર ૮૦૦થી વધુ થયો છે. બીજી તરફ ચીનનાં જાણીતા સ્વાસ્થ્ય જર્નલ લેન્સેટે પોતાના એક રિસર્ચ પેપરમાં તાજેતરમાં દાવો કર્યો છે કે કોરોનાને લીધે દુનિયાભરમાં ૧૦ કરોડ લોકો જીવ ગુમાવી શકે છે.
હર્ડ ઈમ્યુનિટી પણ અસરકારક
ઇટલીનાં બર્ગાઓ શહેરમાં કોરોના હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચ્યો છે. બર્ગાઓમાં ૨૩ એપ્રિલથી ૩ જૂન દરમિયાન ૯,૯૬૫ લોકોના બ્લડ ટેસ્ટ થયાં. એમાં ૫૭ ટકા લોકો કોરોનાથી સંબંધિત એન્ટિબોડી વિકસિત થયેલાં જોવા મળ્યાં. વિશ્વનાં ઘણાં એક્સ્પર્ટ્સ માને છે કે આશરે ૬૦ ટકા આબાદી કોરોના સંક્રમિત થાય તો હર્ડ ઇમ્યુનિટી સ્થિતિ બની શકે છે. જેના લીધે કોરોના વાઈરસની ચેઈન તૂટી જાય અને નવા લોકોમાં સંક્રમણ નહિવત બને. જોકે ઈજિપ્તમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે છતાં સરકારે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ઉદ્યોગો ફરી શરૂ કરશે. ઈઝરાયલમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૯ હજારને પાર થઈ છે અને મૃત્યુઆંક ૩૦૨ થયો છે. સરકારે કહ્યું છે કે ૨૦ જૂનને બદલે હવે ૧લી જુલાઈએ ખુલશે. વેનિસમાં અનલોકમાં સ્થાનિકોએ દેખાવ કર્યાં છે.
દેખાવકારોની માગ છે કે વેનિસ સંપૂર્ણપણે અનલોક થાય તો તેનું સ્વરૂપ પણ નવું હોવું જોઈએ. કમિટેટો નો ગ્રેન્ડ નવી સમૂહ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે કોરોના હાલ સંપૂર્ણપણે ખતમ થયો નથી. એવામાં વિદેશી પર્યટકોના આવવાથી ખતરો વધી જશે. દેખાવકારો કહે છે કે હાલ સ્થાનિક નિવાસીઓને જ મંજૂરી આપવી જોઈએ.