નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં સોમવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની સાથે સાથે તેની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થઈ ગયું હતું.
લોકોને એકતાંતણે જોડવાનું કામ કરતી આ ત્રણેય એપ એકસાથે ખોટકાઈ જતાં વિશ્વભરના યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ યુઝર્સે મુશ્કેલીનો સામનો કર્યો હતો. આ ઘટના સાથે જ ફેસબુકના શેરમાં ૬ ટકાનો કડાકો બોલી ગયો હતો.
યુઝર્સને ફેસબુક ઓપન કરતાં જ બફરિંગ ચાલતું જોવા મળતું હતું, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર રિફ્રેશ કરતા ‘કુડ નોટ રિફ્રેશ ફિડ’ એવો મેસેજ આવતો. આ મુદ્દે ટ્વિટર પર #Facebook, #WhatsappdownDvs, #Instagramdown હેશટેગ ટ્રેન્ડ થયું હતું. ડાઉનડિરેક્ટર નામની કંપનીના મતે, રાત્રે નવ વાગ્યની આસપાસ આ મુશ્કેલી શરૂ થઇ હતી. આ મુદ્દે ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, આ મુશ્કેલી બદલ અમે માફી માંગીએ છીએ. લગભગ સાતેક કલાક આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ્પ રહ્યા બાદ તે ફરી કાર્યરત થયા હતા.
સર્વર ખોટકાયાની આશંકા
કેટલાક નિષ્ણાતોના મતે, DDoS એટેકના કારણે ફેસબુક અને તેની બીજી કંપનીની એપના સર્વર ખોટકાયા હોવાની શક્યતા છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રકારના એટેકમાં કોઈ વેબસાઈટને ટાર્ગેટ કરીને સતત ઓપન કરાય છે. આમ, તેને ક્ષમતાથી અનેકગણી વધુ રિક્વેસ્ટ મોકલાય છે. આ રીતે તેને ઠપ્પ કરી દેવાય છે. ઉદાહરણ તરીકે, કોઈ વેબસાઈટમાં રિક્વેસ્ટ પ્રોસેસ કરવાની મર્યાદા એક લાખની હોય, પરંતુ આ એટેક થકી હેકર્સ તેનાથી અનેકગણી વધુ રિક્વેસ્ટ મોકલીને તે વેબસાઈટને ક્રેશ કરી નાંખે છે.