ન્યૂ યોર્કઃ વિશ્વમાં કોરોના વાઈરસના લીધે ૩૭૦૧૦૨૦ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાના અહેવાલ પાંચમી મેએ હતા. ૧૨૨૭૨૧૭ જેટલા લોકો આ બીમારીમાંથી મુક્ત થયાં છે અને મૃતકાંક ૨૫૬૩૬૫ છે.
અમેરિકાની વાત કરવામાં આવે તો ૧૨.૧૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. ૬૯.૯ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ ૧.૮૮ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ દેશમાં જૂન સુધીમાં રોજ મરનાર લોકોની સંખ્યા ત્રણ હજાર થઈ શકે છે. મેના અંત સુધીમાં રોજ બે લાખ નવા કેસ નોંધાવાની સંભાવના છે. જોકે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને વિવાદાસ્પદ ગણાવ્યો છે. અમેરિકાના સિએટલ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કહ્યું કે ઓગસ્ટમાં દેશમાં ૧ લાખ ૩૦ હજારથી વધારે લોકો જીવ ગુમાવશે.
અમેરિકાએ સ્વાસ્થ્ય સુવિધા અને લોકોને રાહત આપવા માટે ત્રણ ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી છે. કોરોનાના રાહત પેકેજને લઈને અમેરિકાનું બેજેટ ઘણું વધી ગયું છે. અહેવાલો મુજબ આ રાહત પેકેજ દેશની અર્થવ્યવસ્થાના ૧૪ ટકા છે. આ સાથે જ અમેરિકા ઉપર ૨૫ ટ્રિલિયન ડોલરનું દેવું થઈ જશે. લોકડાઉનના કારણે અહીં ત્રણ કરોડ લોકો બેરોજગાર થયા છે. અમેરિકામાં લોકડાઉનનો ઉગ્ર વિરોધ, હજારો સશસ્ત્ર લોકો સડકો પર ઊતર્યાં છે.
• હોંગકોંગમાં સ્થાનિક વહીવટીતંત્ર ૮મી મેથી પાબદીઓમાં છૂટ આપશે.
• બલ્ગેરિયા સરકારે નિર્ણય કર્યો છે કે સપ્ટેમ્બર પહેલા કોઇ સ્કૂલ દેશમાં ખુલશે નહીં.
• ઈઝરાયલના રક્ષા પ્રધાન નેફ્ટલી બેન્નેટે કહ્યું કે અમારા દેશની ડિફેન્સ બાયોલોજિકલ ઈન્સ્ટીટ્યૂટે કોરોનાની રસી બનાવી લીધી છે.
• ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને વાઈરસ લેબમાં બન્યો હોવાના અમેરિકાના દાવાને નકાર્યો છે અને સંભાવના દર્શાવી છે કે કોરોના વાઈરસની શરૂઆત માંસ બજારથી થઈ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય એરલાયન્સ કંપની કંતાસે મંગળવારે આંતરરાષ્ટ્રીય ઉડાનોને જુલાઈ સુધી રદ્દ કરી દીધી છે. સ્થાનિક ઉડાન જૂન સુધીમાં રદ્દ રહેશે.
• ચીનના હુબેઈમાં એક મહિનાથી કોરોનાના કેસ નોંધાયો નથી. ચીનમાં પાંચમીએ અહેવાલ હતા કે છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનો એક જ કેસ નોંધાયો છે.
• ભારતથી હાઈડ્રોક્સી ક્લોરોક્વિનની ૫૦ લાખ ગોળીઓ કેનેડા મોકલાઈ. કેનેડામાં પોઝિટિવ કેસ ૬૦ હજારને પાર પહોંચી ગયા છે.
• તુર્કીમાં પાંચમીથી પ્રતિબંધોમાં છૂટની જાહેરાત કરાઈ હતી. હેર સલૂન, અમુક દુકાનો અને માર્કેટિંગ સેન્ટર ૧૧ મે સુધીમાં ખોલાશે. જોકે યુનિવર્સિટી ૧૫ મે સુધી બંધ રહેશે. ૧૦ મે પછી ૬૫ વર્ષના વડીલો ઘરની બહાર નીકળી શકશે.
• ઈટાલીમાં દુકાનો ખોલવાની માગને લઈને દેખાવો શરૂ
થયાં છે.