વિશ્વમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો દોઢ લાખને પારઃ ફ્રાંસ ચોથો નંબરે પહોંચ્યું

Tuesday 21st April 2020 15:20 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ૨૧મી એપ્રિલે જાહેર થયેલા અહેવાલો પ્રમાણે વિશ્વભરમાં કોરોનાથી ૧.૬૯ લાખ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કુલ દર્દીઓની સંખ્યા ૭૯૨૭૯૫એ પહોંચી હતી અને ૪૨૫૧૪નાં મોત નોંધાયા હતા. ફ્રાંસમાં મૃતકોની સંખ્યા ૨૦ હજારને પાર કરી ગઈ હતી. અમેરિકા, સ્પેન અને ઇટાલી પછી ફ્રાન્સ ચોથો એવો દેશ છે જ્યાં વાઇરસથી સૌથી વધુ મોત થયાં છે. ફ્રાંસમાં ૨૦૨૫૬ લોકો મૃત્યુ પામ્યા છે. ઇટાલીમાં ૨૪ હજારથી વધુ લોકોનાં કોરોનાથી મોત થયાં છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૪૬૭૫૩૪ લોકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે બીજી તરફ ૬૪૪૫૮ લોકો સાજા પણ થયા છે.
અમેરિકામાં ન્યૂ યોર્કની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ વિશ્વના સૌથી ધનિક શહેરમાં હજી પણ લોકો ભયભીત છે. ન્યૂ યોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યૂમોએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જો ડેટા આ પ્રમાણે જ રહ્યો અને સંક્રમણના મામલામાં ઘટાડો આવતો રહ્યો તો કહી શકાય કે સ્થિતિ પહેલા કરતાં સુધરી રહી છે. અમેરિકામાં ટેક્સાસ અને વર્મોન્ટ જેવા રાજ્યોમાં કેટલાક બિઝનેસ ખૂલવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું રહે તેવી વિનંતી કરાઈ છે.
બીજી તરફ ફલોરિડાના જૈક્સનવિલ શહેરમાં ડુવલ કાઉન્ટી બીચ પર લોકો જમા થયાથી વિવાદ સર્જાયો છે. અમેરિકામાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનના વિરોધમાં પ્રદર્શન પણ ચાલે છે.
વિદેશીઓ પર પ્રતિબંધ
વૈશ્વિક મહામારી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે, અમેરિકનોની નોકરી બચાવવા અમેરિકા બહારથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. એટલે કે ઈમિગ્રેશન વિઝા આપવાનું બંધ થશે. જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે. અમેરિકામાં કોરોના વાઈરસના કારણે હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી પણ થઈ રહી હોવાના અહેવાલ છે.
• ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે દેશમાં ૧૨ નવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું કે, ચાર કેસ ઘરેલુ રીતે સંપર્કમાં આવવાને કારણે થયા છે. તેમાંથી ત્રણ હેલુંગજાંગ પ્રાંત અને એક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં આઠ અન્ય મામલાઓ પણ બહારથી આવ્યા છે. રવિવારે ચીનમાં કોઈ મોત થયું નથી.
• અલીબાબાના ફાઉન્ડર જેક મા જાહેરાત કરી છે કે તે વિશ્વ આરોગ્ય સંસ્થાને લાખો માસ્ક અને ટેસ્ટ કીટ ડોનેટ કરશે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબોના માધ્યમથી તેમણે કહ્યું કે તે ૧૦ કરોડ ક્લિનિકલ માસ્ક, ૧૦ લાખ એન-૯૫ માસ્ક અને ૧૦ લાખ ટેસ્ટ કીટ ડોનેટ કરશે. પોસ્ટ સાથે તેણે વન વર્લ્ડ, વન ફાઈટ પણ લખ્યું.
• ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા અર્ડર્ને દેશમાં લોકડાઉનને વધુ પાંચ દિવસ વધાર્યું છે અને તે ૨૨મી એપ્રિલે પૂર્ણ ન થતાં ૨૭મી એપ્રિલે પૂર્ણ થશે.
• ઈઝરાયલમાં કોરોનાના ૧૩ હજારથી વધુ કેસ છે. દેશમાં કોરોનાને લઈને લાદવામાં આવેલા સખ્ત પ્રતિબંધો અંગે લોકોએ રાષ્ટ્રપતિ બેંજામિન નેતન્યાહૂના વિરોધમાં દેખાવો કર્યાં હતાં. ૧૦ હજાર લોકોએ માસ્ક પહેરીને અને બે મીટરનું અંતર જાળવીને ઈઝરાયલમાં વડા પ્રધાનનો વિરોધ કર્યો હતો.
• દ.આફ્રિકામાં ખાસ કરીને કેપટાઉન અને તેની આસપાસના ક્ષેત્રોમાં કોરોનાના કારણે અપાયેલા લોકડાઉનની વચ્ચે ખાવાનું સંકટ ઊભું થયું છે. કેપટાઉનમાં એક કમ્યુનિટી લીડર જોની ફ્રેડરિક્સે ચેતવણી આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ અને અને અમે ખાદ્ય સંકટની વચ્ચે છીએ. આ યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કોરોનાના પ્રસારને રોકવા માટે પાંચ સપ્તાહનું લોકડાઉન ૨૭મી માર્ચથી જાહેર કર્યું છે ત્યારે દુકાનમાં લૂંટ, પરસ્પર હુમલાના બનાવો બની રહ્યાં છે.
• કોરોનાના સંકટ વચ્ચે પણ પાકિસ્તાન ભારતની સળી કરવાનું છોડતું નથી. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને મોદી સરકાર પર આક્ષેપ કર્યાં છે કે કોરોના જંગના નામે ભારતીય માઈનોરિટી પર અત્યાચાર કરે છે જોકે ભારતે પાકિસ્તાનના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવ્યા છે.
• એક અગ્રણી સમાચાર સંસ્થાના અહેવાલો પ્રમાણે, પાકિસ્તાનના ધર્મગુરુઓએ કહ્યું છે કે રમઝાનના મહિનામાં મસ્જિદમાં નમાજ ચાલુ રહેશે. જોકે જરૂરી સાવચેતી રાખવી પડશે. પાકિસ્તાનની સરકારે મૈલવીઓના દબાણ સામે નમીને રમઝાનમાં મસ્જિદમાં સામૂહિક નમાજ અદા કરવાની પરવાનગી આપી હતી.
• અરબની સૌથી ટોચની ધાર્મિક પરિષદે વિશ્વના મુસલમાનોને જાહેરમાં ભેગા થઈને નમાજ ન અદા કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત ખાડી દેશ લેબનન, ઈરાક અને સીરિયામાં રમઝાન દરમિયાન લોકડાઉનમાં થોડીક છૂટછાટ આપવામાં આવશે.
• દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસનો આંકડો ૧૦ હજાર સાતસોને પાર કરી ગયો છે જ્યારે ૨૩૫થી વધુનાં મોત થયાં છે. દેશમાં સંક્રમણના મામલામાં મોટા પ્રમાણમાં ઘટાડો પણ નોંધાયો હોવાના ૨૧મીએ અહેવાલ હતાં.
• ઓસ્ટ્રેલિયામાં કોરોનાના લીધે શટડાઉન થવાથી અને બિઝનેસ બંધ કરવાથી ૭.૮૦ લાખ લોકોની નોકરીઓ જતી રહી છે. સરકારી આંકડા મુજબ ૧૪ માર્ચ અને ચાર એપ્રિલ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં નોકરીઓમાં છ ટકાનો ઘટાડો થયો છે. વિક્ટોરિયા અને તસ્માનિયા રાજ્યમાં સૌથી વધારે નોકરીઓ ગઈ છે.
• શ્રીલંકામાં ૨૫મી એપ્રિલે યોજાનાર સંસદીય ચૂંટણી કોરોના વાઈરસના કારણે સ્થિગિત થઈ ગઈ છે. હવે આ ચૂંટણી ૨૦ જૂને યોજાશે. શ્રીલંકામાં કોરોનાના કુલ ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે અને છથી વધુએ જીવ ગુમાવ્યા છે.
• સિંગાપોરમાં કોરોનાના કારણે લોકડાઉન પેલી જૂન સુધી લંબાવાયું છે. અહીં ૯૦૦૦થી વધુ પોઝિટિવ કેસ છે અને ૧૧થી વધુનાં મોત થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter