વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીએ ભરડો લેતાં ૨૮મી એપ્રિલે ૩૧૦૨૭૮૮થી વધુ કેસ નોંધાયા હતા અને મૃતકાંક ૨૧૪૧૧૧ જેટલો નોંધાયો હતો. આ બીમારીમાંથી ૯૪૪૧૦૪ સાજા થયાં છે. આ ઉપરાંત અમેરિકા અને બ્રિટનમાં સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને સમગ્ર યુરોપની સ્થિતિ હજી પણ વણસી રહી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એક વખત વિશ્વને ચેતવણી આપી છે. WHOએ સાવચેત કર્યાં છે કે કોઈ ભૂલ ન કરો, આ વાઈરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHO પ્રમુખ ટેડ્રોસે ૨૮મી એપ્રિલે કહ્યું, અનેક દેશોમાં મહામારીની હજુ શરૂઆત થઈ છે. જ્યાંથી મહામારીની શરૂઆત થઈ હતી ત્યાં ફરી કેસ જોવા મળી રહ્યા છે.
વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની સ્થિતિ અત્યંત કફોડી માનવામાં આવે છે. ટ્રમ્પે કહ્યું કે, મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ જો ચીન દોષી સાબિત થશે તો દંડ પણ થશે. અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો ૫૮,૦૦૦ને પાર કરી ગયો છે. જોકે અમેરિકામાં કેટલાક સ્થળે લોકડાઉન વધુ કડક કરવાની તો કેટલાક રાજ્યોમાં લોકડાઉન ખોલી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ બ્રિટનમાં લોકડાઉન ખૂલશે તો જોખમ વધશે તેવી ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સરકાર દ્વારા લોકડાઉનમાં સહેજ પણ ઢીલાશ રાખવામાં આવશે કે બાંધછોડ કરવામાં આવશે તો એક લાખથી વધારે લોકોનાં મોત થવાનું જોખમ છે.
અમેરિકામાં ન્યૂ યોર્કમાં લોકોના મોતની ઘટનાઓ વધી રહી છે. ન્યૂ યોર્કમાં ૩૭ જેટલા પોલીસકર્મીઓનાં મોત નોંધાયા છે અને ૨૨ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે ૯૩ હજારથી વધુ લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે. અમેરિકામાં કોરોનાના લક્ષણ વિના જ ૩૦થી ૪૯ વર્ષના લોકોનાં અચાનક મોતથી ખળભળાટ મચી ગયો છે. તબીબોએ યુએસમાં ચેતવણી આપી છે કે ઘણા લોકોમાં કોરોનાના કે બીમારીના કોઇ લક્ષણ દેખાતાં નથી, પરંતુ અચાનક આવતા સ્ટ્રોકના કારણે લોકોનાં મોત થઇ રહ્યાં છે. ન્યૂ યોર્કમાં આ પ્રકારે ઘરોમાં જ ઘણા લોકોનાં મોત થયાં છે. આ ભયજનક છે.
ન્યૂ યોર્કના મેયર એન્ડ્રયુ ક્યૂઓમોએ કહ્યું કે ૧૫મેથી રાજ્યના બહારના ભાગમાં મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સંબંધિત કામ ફરી શરૂ કરી શકાશે, પણ મેટ્રોપોલિટન એટલે કે શહેરી વિસ્તારમાં કડકાઇ યથાવત્ રહેશે, કેમ કે આ સૌથી વધારે જોખમવાળો ક્ષેત્ર છે. અમેરિકામાં સંક્રમિત લોકોનો આંક પણ ૧૦ લાખને આંબવાની સ્થિતિ વચ્ચે મિનિએસોટા, કોલોરાડો, મિસિસિપી, મોન્ટાના અને ટેનેસી જેવા રાજ્યોમાં લોકડાઉન પૂરું કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
ક્યૂબાએ ૨૨ દેશોમાં મેડિકલ ટીમ મોકલી
ક્યૂબા દ્વારા વિશ્વના વિવિધ દેશોમાં મેડિકલ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. તાજેતરમાં ક્યૂબાના ૨૦૦ ડોક્ટર્સ અને નર્સ સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. ક્યૂબા દ્વારા અત્યાર સુધીમાં ઈટાલી, મેક્સિકો, અંગોલા, જમૈકા, વેવેઝુએલા સહિતના ૨૨ દેશોમાં પોતાની મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. આ ટીમમાં અંદાજે ૧૨૦૦ ડોક્ટર્સ અને નર્સનો સમાવેશ થાય છે. ક્યૂબામાં અત્યાર સુધીમાં ૧૪૦૦ લોકો જ સંક્રમિત થયા છે.
સિંગાપુરમાં કેસમાં સતત વધારો ૭૯૯ કેસ સામે આવ્યા
સિંગાપોર કોરોના વાઇરસના કેસનો કુલ આંકડો ૧૩ હજારને પાર થઇ ગયો છે. તેમાં ભારતીયો સહિત એવા વિદેશી કર્મચારીઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. એમાં પણ ડોર્મિટરીમાં રહેતા વધુ સંક્રમિત જણાયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે નવા કેસોમાંથી મોટાભાગ ડોર્મિટરીમાં રહેતા વિદેશી કર્મચારીઓના છે. સિંગાપોરમાં અચાનક કેસ વધતાં કડકાઇ વધારી દેવાઇ છે. કોરોના ફેલાતો રોકવા સરકારે વિદેશ કર્મચારીઓની ડોર્મિટરીઝ સંપૂર્ણપણે લોકડાઉન કરવા આદેશ આપ્યો છે. વ્યાપાર-ઉદ્યોગ પ્રધાન ચાન ચુન સિંગે કહ્યું કે કોરોનાની ટ્રાન્સમિશન ચેન તોડવા માટે વ્યાપક સ્તરે ટેસ્ટિંગ અભિયાન હાથ ધરાયું છે.
ન્યૂ ઝીલેન્ડમાં પ્રતિબંધોમાં રાહત
ન્યૂ ઝીલેન્ડ દ્વારા ૨૭મી એપ્રિલથી લોકડાઉનમાં પ્રતિબંધો ઓછા કરવાની ઘોષણા કરાઈ હતી. ન્યૂ ઝીલેન્ડમાં લોકડાઉન હાલમાં ચોથા સ્તરે હતું જેને ઘટાડીને લેવલ થ્રીએ લઈ જવાયું છે. સ્કૂલો પણ ચોક્કસ નિયમોને આધીન શરૂ થઈ શકે છે. બીજી તરફ રેસ્ટોરાંમાંથી પણ ટેક અવે સર્વિસ શરૂ કરવામાં આવશે. લોકો સમુદ્રમાં સ્વિમિંગ કરી શકશે. લગ્ન અથવા અંતિમ સંસ્કારમાં ૧૦થી વધારે લોકો ભાગ નહીં લઈ શકે.
વુહાનમાં અંતિમ દર્દીને રજા અપાઈ
સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના ફેલાયો એ વુહાનમાં કોરોનાના અંતિમ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. વુહાનમાં દર્દીઓની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. ચીનના એક અધિકારીએ જણાવ્યું કે હુબેઈની રાજધાની વુહાનમાં હવે હોસ્પિટલમાં કોઈ દર્દી નથી. ઉલ્લેખનીય છે કે, ૭૬ દિવસના લોકડાઉન બાદ આઠ એપ્રિલના રોજ અહીંયા લોકડાઉન દૂર કરવામાં આવ્યું હતું.
• આર્જેન્ટિનાએ ૧લી સપ્ટે. સુધી ફ્લાઈટ્સ પર બેન મૂકી દીધો છે.
• ઈઝરાયલમાં ત્રણ મેથી તબક્કાવાર સ્કૂલો ખોલવાનો નિર્ણય કરાયો છે. દરેક ઘોરણમાં ઓછા બાળકોને રાખવાનું નક્કી કરાયું છે. આ દરમિયાન સફાઈ અને બાળકો વચ્ચેના અંતર ઉપર વધારે ધ્યાન અપાશે. ૨૮મી એપ્રિલે દેશમાં સંક્રમણની સંખ્યા વધીને ૧૫ હજાર ૫૦૦ને પાર નોંધાઈ હતી અને ૨૦૪ લોકોનાં મોત થયાં હતાં. આશરે ૭૨૦૦થી વધુને સારવાર પછી રજા અપાઈ હતી.
• રશિયામાં ચીન કરતાં પણ પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ હોવાના અહેવાલ ૨૮મીએ હતા. રશિયામાં કુલ ૮૭ હજારથી વધુ કોરોનાના કેસ છે. અહીં ૭૯૫થી વધુએ જીવ ગુમાવ્યા છે. ચીનમાં ૮૨ હજાર ૮૩૬ કેસ નોંધાયા હતા અને ૪૬૩૩એ જીવ ગુમાવ્યા હતા.
• નોર્વેનું કહેવું છે કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે. ૨૬ એપ્રિલે અહીં પ્રાથમિક શાળાઓ ખોલી દેવાઈ છે. જોકે સરકારના આ પગલાંથી ઘણા માતા-પિતાએ ચિંતા પણ વ્યક્ત કરી છે. એક ક્લાસમાં માત્ર ૧૫ વિદ્યાર્થી જ બેસી શકશે. હેર સલૂન પણ અહીં ખોલાયાં છે. જો કે રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ છે.
• અમેરિકામાં કોરોનાની વિષમ પરિસ્થિતિ વચ્ચે મેડિકલ સહાય સાથેનું તુર્કીની આર્મીનું કાર્ગો પ્લેન અમેરિકા મોકલાયું હતું.
• ઈરાનમાં ૨૮મી એપ્રિલે કોરોનાના કેસનો આંકડો ૯૨ હજાર ૫૦૦ને પાર કરી ગયો હતો. મૃત્યુઆંક ૫૮૦૦ને વટાવી ગયો હતો.
• નેપાળમાં કોરોનાના કેસની સંખ્યા વિશ્વના દેશોની તુલનાએ ઘણી ઓછી છે. અહીં કુલ ૫૪ જેટલા જ કેસ નોંધાયા છે છતાં નેપાળ સરકાર ખૂબ જ કડક રીતે લોકો માટે નિયમો ઘડી રહી છે.