વોશિંગ્ટનઃ વિશ્વભરમાં ૯મી જૂને કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૭૨૫૮૫૨૫, મૃત્યુઆંક ૪૧૦૮૯૫ અને સાજા થયેલા દર્દીઓ ૩૫૭૧૮૦૬ નોંધાયા હતા. કોરોનાનો ફેલાવા અંગે ચીને શ્વેતપત્ર જારી કરીને જણાવ્યું છે કે કેટલાક લોકો અને દેશોના ખોટા આક્ષેપો કરે છે. સરકારી પ્રયાસોથી જ કોરોનાને નાથી શકાયો છે. બીજી તરફ લોકડાઉનના ૭૫ દિવસ બાદ ન્યૂ ઝીલેન્ડમાં કોરોનાની છેલ્લી દર્દી પણ સ્વસ્થ થઇ ગઈ છે. જોકે સ્વિડનના ટોચના સ્વાસ્થ્ય નિષ્ણાત એન્ડર્સ ટેગેનેલે સાંકેતિક રીતે સ્વીકારી લીધું હતું કે, દેશમાં લોકડાઉન જારી ન કરાયું એ મોટી ભૂલ છે. સ્વિડનની વસતી આશરે એક કરોડ છે. અહીં કોરોનાના ૩૮,૫૮૯ કેસ નોંધાયા છે. તેમાંથી ૪૪૬૮ લોકો મૃત્યુ પામ્યા છે.