બેઈજિંગ, વોશિંગ્ટન, જિનિવાઃ વિશ્વભરમાં કોરોના સંક્રમણનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ૮મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણનો આંકડો ૨૭૫૬૨૫૦૦ નોંધાયો હતો. મૃતકાંક ૮૯૮૦૦૭ અને વિશ્વમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા ૧૯૬૫૫૭૯૨ નોંધાઈ હતી. વિશ્વમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે ત્યારે પ્રથમ રશિયા અને એ પછી ચીને કોરોનાની રસી શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. વિશ્વમાં કોરોના ફેલાવવાનો આક્ષેપ મુકાઈ રહ્યો છે તે ચીને તેની પહેલી કોરોના વેક્સિન તાજેતરમાં રજૂ કરી છે. આ વેકિસન ચીનની સિનોવેક બાયોટેક તેમજ સિનોફાર્માએ બનાવી છે. જોકે તે હજી બજારમાં મુકાઈ નથી. તેના ત્રીજા તબકકાના ક્લિનિકલ ટ્રાયલ બાદ તે શક્યતઃ ૨૦૨૦નાં અંતમાં માર્કેટમાં મુકાશે તેવું ચીને કહ્યું છે. ચીનના અહેવાલો પ્રમાણે આ વેક્સિન બનાવવા ફેકટરી શરૂ કરાઈ છે જેની ક્ષમતા ૩૦૦ મિલિયન ડોઝ બનાવવાની છે. ચીને રસીને ચાઈના ટ્રેડ ફેરમાં રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાની ૧૦ વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.
યુનિસેફ ખરીદી અને સપ્લાય કરશે
યુનિસેફ દ્વારા કોરોનાની રસી અંગે જણાવાયું હતું કે, કોરોનાની વેક્સિન તૈયાર થયા પછી આખી દુનિયામાંથી તેની ખરીદ થશે અને વિશ્વનાં અનેક દેશોમાં તે સપ્લાય કરાશે. આને કારણે તમામ દેશોમાં સુરક્ષિત રીતે અને ઝડપથી વેક્સિન પહોંચાડી શકાશે. યુનિસેફ જુદીજુદી વેક્સિનનું સૌથી મોટું ખરીદાર છે. દર વર્ષે તે ૧૦૦ દેશ માટે ૨૦૦ કરોડ વેક્સિન ખરીદે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ દ્વારા આ અંગે કેટલાક દેશો અને વેક્સિન બનાવતી કંપનીઓ સાથે સહયોગ સાધવામાં આવ્યો છે.
રશિયાની કોરોના રસી સુરક્ષિત
કોરોના સંક્રમણ સામે ગયા મહિને રશિયા દ્વારા વિકસાવાયેલી સ્પૂતનિક-વી રસી સફળ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ દાવો લેન્સેટ જર્નલમાં કરાયો છે. આ રિપોર્ટ મુજબ રસીનો જે દર્દી પર શરૂઆતમાં ટેસ્ટ કરાયો તેમાં સાઈડ ઈફેક્ટ વગર એન્ટિબોડી વિકસિત થયા હોવાનું જણાયું છે. પ્રારંભિક તબક્કે ૭૬ લોકોને રસી અપાઈ હતી. તેના પરિણામમાં ૨૧ દિવસમાં તમામમાં એન્ટિબોડી પ્રતિક્રિયા એટલે કે ટીસેલ જોવા મળ્યા. ૪૨ દિવસ સુધી ચાલેલા બે તબક્કાના પરિણામમાંથી આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.
જોકે તજજ્ઞો કહે છે કે ટ્રાયલમાં આટલી ઓછી સંખ્યા હોવાથી રસી સુરક્ષિત અને અસરકારક હોવાનું સાબિત કરી શકાય તેમ નથી. આ રસીમાં હ્યુમન એડેનો વાઈરસ-૨૬ અને હ્યુમન એડેનો વાઈરસ ટાઈપ-૫ સામેલ છે.
ટ્રમ્પે ૩૦૦૦ અબજ ડોલરની જાહેરાત કરી
રશિયા અને ચીને કોરોના રસી વિકસાવ્યાનો દાવો કર્યો છે ત્યારે અમેરિકામાં કોરોનાને કારણે આર્થિક રીતે પણ મોટું નુકસાન લોકોને થઈ રહ્યું છે તેને પહોંચી વળવા પ્રમુખ ટ્રમ્પે પગલાં લઈને ૩ હજાર અબજ ડોલરની યોજનાઓની જાહેરાત કરી છે. અમેરિકામાં ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે સાથે બેરોજગારી પણ વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે ટ્રમ્પ સરકારે અમેરિકાને આર્થિક સંકટમાંથી બહાર લાવવા અને જીડીપીમાં વધારો કરવા માટે ૩૦૦૦ અબજ ડોલરની જાહેરાત કરી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે આ નાણાની મદદથી અમેરિકામાં ૭૫ લાખ લોકોને રોજગારી આપવામાં મદદ મળી રહેશે. હાલમાં અમેરિકાનો જીડીપી પણ ઘટી ગયો હતો. તેથી આ નાણાકીય યોજનાઓ અને સહાયથી જીડીપીમાં પણ ફાયદો થઈ શકે છે. ટ્રમ્પ સાથે બેરોજગારી દર અંગે વાત કરતાં કહ્યું હતું કે લોકોનો દાવો હતો કે કોરોના અને લોકડાઉનને કારણે બેરોજગારી દર ૨૫ ટકાએ પહોંચી જશે. જોકે હાલ તે માત્ર આઠ ટકાએ જ અટક્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૧૪૭૭૯૪ હતી અને મૃતકાંક ૧૨૭૦૦૧ હતો. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા અમેરિકામાં ૩૩૫૫૫૬૪ નોંધાઈ હતી.