વોશિંગ્ટનઃ વિશ્વમાં એક તરફ કોરોના સંક્રમણનો કુલ આંક મંગળવારે ૧૦૪૦૯૬૯૮૦, કુલ મૃતકાંક ૨૨૫૩૩૩૫ અને કોરોનામાંથી સાજા થયેલા લોકોનો કુલ આંક ૭૫૯૪૯૨૧૮ નોંધાયો હતો તો બીજી તરફ કોરોનાની રસીની વિશ્વમાં તંગીના અહેવાલ હતા. દક્ષિણ આફ્રિકામાં ઇમર્જન્સી ઉપયોગ માટે એસ્ટ્રેઝોનેકા વેક્સિનને મંજૂરી અપાઈ છે. ઓસ્ટ્રેલિયામાં લોકલ કોરોના કેસની સંખ્યા આમ તો નહીંવત થતી જતી હતી, પરંતુ પહેલી ફેબ્રુઆરીએ પર્થ મેટ્રોપોલિટનમાં એક હોટેલનો સિક્યુરિટી વિભાગનો કર્મચારી કોરોના સંક્રમિત મળતાં આ વિસ્તારના ૨૦ લાખથી વધુએ પાંચ દિવસનું લોકડાઉન પાળવું પડશે તેવું જાહેર થયું હતું.
વિશ્વના અનેક દેશમાં હવે વેક્સિન પાસપોર્ટ
કોરોના કાળ પછી અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીના પ્રવેશ સામે મનાઈ ફરમાવી હતી જેથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) યુનિવર્સલ પોર્ટલ બનાવી રહ્યું છે અને WHO તથા વિશ્વ આર્થિક મંચ જેવા સંગઠનો વેક્સિન પાસપોર્ટ બનાવવા પર કામ કરે છે.
અમેરિકાની વધારાના ૨૦ કરોડ ડોઝની ખરીદી
અમેરિકામાં મંગળવાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૯૯૨૦૧૯૫, કુલ મૃતકાંક ૪૫૪૫૬૯ અને રિકવર થયેલા લોકોની કુલ સંખ્યા ૧૬૬૩૪૧૦૫ નોંધાઈ હતી. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડેને ૨૭મીએ જાહેર કર્યું કે, દેશ કોરોનાના બીજા ૨૦ કરોડ ડોઝ ખરીદશે જેથી ૩૦ કરોડ લોકોને પૂરતા ડોઝ મળે.
વેક્સિનેશનમાં ભારત દૂતની જેમ કામ કરે
ભારત પાડોશી દેશોને મૈત્રી નીતિ હેઠળ કોરોના રસીના ડોઝ ભેટમાં આપે છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું કે, ભારતે દુનિયાભરના દેશોને વેક્સિનના ડોઝ સપ્લાય કર્યાં છે. ભારતમાં વિકસિત વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન થઇ રહ્યું છે. ભારતે વૈશ્વિક દૂતની જેમ વેક્સિનેશન કાર્યક્રમમાં ભૂમિકા ભજવવી જોઇએ. ભારતે વેક્સિન મૈત્રીના પ્રથમ તબક્કે ૫૫ લાખથી વધુ ડોઝ નવ દેશો સુધી પહોંચાડ્યા છે. શ્રીલંકામાં ભારતે પહોંચાડેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેન્સા નિર્મિત કોવિશિલ્ડ ૫૨૮૬ લોકોને ૩૦મીએ અપાઈ હતી અને તેમનામાં કોઇ આડઅસર જોવા મળી નથી તેમ શ્રીલંકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ભારતે કહ્યું કે તે ધીમે ધીમે વિશ્વ સ્વાસ્થય સંગઠનની કોવેક્સ ફેસિલિટીને પણ વેક્સિન આપશે. કોરોના વેક્સિનની શોધ કરતા પાકિસ્તાને પણ ભારતની સીરમે બનાવેલા એસ્ટ્રા જેનેકાના ૧.૭૦ કરોડ ડોઝ વિશ્વ આરોગ્ય સંસ્થા મારફતે મેળવ્યા છે.
WHOની ટીમની વુહાનમાં તપાસ
ચીનનાં વુહાન માર્કેટમાંથી એક વર્ષ પહેલાં કોરોના વાઈરસ આખા વિશ્વમાં ફેલાયો હતો કે કેમ? તેની તપાસ માટે રવિવારે WHOની ટીમ રવિવારે વુહાનની માર્કેટમાં પહોંચી હતી. WHOની ટીમે ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન રહ્યા પછી તપાસ શરૂ કરી હતી.