વિશ્વમાં સંઘર્ષોથી ૫૦ મિલિયન બાળકો વિસ્થાપિત થયાઃ યુનિસેફ

Monday 12th September 2016 09:40 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં યુદ્ધ અને હિંસામય સંઘર્ષોના કારણે ૫૦ મિલિયન બાળકો પોતાના જ દેશમાંથી વિસ્થાપિત થયાં હોવાંની ચેતવણી યુનિસેફ દ્વારા અપાઈ છે. આવા બાળકો જાતે જ સરહદો ઓળંગી આશરો મેળવવા બીજા દેશોમાં જાય છે. આશરે ૧૦૦,૦૦૦ અનાથ સગીરો દ્વારા ૭૮ દેશોમાં એસાઈલમની અરજીની સંખ્યા બે વર્ષમાં ત્રણ ગણી થઈ છે. અન્ય ૨૦ મિલિયન બાળકો ગેંગ વાયોલન્સ અથવા અતિશય ગરીબી સહિત વિવિધ કારણોસર સ્વદેશ છોડી ગયાં છે.

બ્રિટનની કેલે સરહદે જંગલ કેમ્પમાં રહેતાં ૪૦૦ બાળનિર્વાસિતોને બ્રિટનમાં આશરો આપવાની માગ સિટિઝન યુકે ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે. હોમ ઓફિસે આ વર્ષે ૧૫૦ બાળકોને આશરો આપવાની તેની યોજના હોવાનું કહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ દ્વારા ગ્લોબલ ડેટા એનાલિસીસમાં જણાવાયું છે કે આશરો માગનારા દસ લાખ જેટલાં બાળકોની શરણાર્થી ગણવાની અરજીઓ વિચારાધીન છે અને ૧૭ મિલિયન બાળકો માનવતાવાદી સહાય કે આવશ્યક સેવાઓના અભાવ સાથે પોતાના જ દેશમાં વિસ્થાપિત બન્યાં છે. સંખ્યાબંધ બાળકો આપમેળે પોતાના દેશની સરહદો ઓળંગી રહ્યાં છે.

યુનિસેફ દ્વારા જણાવાયું હતું કે દસ્તાવેજો નહિ હોવાના કારણે આવા બાળકો પર શોષણ અને અટકાયતનું ગંભીર જોખમ રહે છે, તેમનો કાનૂની દરજ્જો અસ્પષ્ટ અને અચોક્કસ છે અને તેમને શોધવાની કે તેમના કલ્યાણ અંગે દેખરેખ રાખવાની કોઈ સિસ્ટમ નથી. વિશ્વની વસ્તીમાં બાળકોનો હિસ્સો ત્રીજા ભાગનો છે, પરંતુ તમામ નિર્વાસિતોમાં તેઓ અડધોઅડધ હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૫માં યુએન રેફ્યુજી એજન્સીની દેખરેખમાં આવેલા બાળ નિર્વાસિતોના ૪૫ ટકા તો સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter