વિશ્વમાં સૌથી વધુ ટાલિયા ઝેક રિપબ્લિકમાં

ટાલિયા પુરુષોની આ યાદીમાં યુકે પાંચમા ક્રમે તો યુએસ આઠમા ક્રમે

Wednesday 23rd August 2023 08:25 EDT
 
 

લંડનઃ જાણીતી કહેવત છે કે ‘ટાલિયા નર સદા સુખી’ અને આ કહેવત પાછળનું કારણ એ હોઈ શકે કે ટાલિયા નરને હેર સ્ટાઇલ કરવાની, વાળ ઓળવાની કે વાળ કપાવવાની કોઇ તસદી લેવી પડતી નથી. આમ તો ટાલિયા માણસ ચૌરે અને ચૌટે મળી આવે છે પરંતુ, કદી વિચાર આવ્યો છે કે ટાલવાળા પુરુષો સૌથી વધુ ક્યા દેશમાં હશે? સંશોધકોએ આની પણ ગણતરી માંડીને જણાવ્યું છે કે દુનિયામાં 20 દેશ એવા છે કે જ્યાં સૌથી વધુ ટાલિયા નર વસે છે અને પ્રથમ ક્રમે ઝેક રિપબ્લિક આવે છે જ્યારે ટોપ ટેનમાં યુકે (પાંચમા) અને યુએસ (આઠમા)નો પણ સમાવેશ થઈ જાય છે.

વાન્ટેજ હેર ક્લિનિકના ડેટાબેઝના આધારે વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ દ્વારા સંપાદિત આંકડા જણાવે છે કે વિશ્વમાં 21 દેશમાં સૌથી વધુ ટાલિયા પુરુષ છે અને તેમાં પણ કોકેશિયન વસ્તીનું પ્રમાણ વિશાળ હોય છે જે પ્રજા અન્ય જાતિઓ કરતા વધુ ઝડપથી વાળ ગુમાવે છે. સંશોધકોને જણાયું છે કે ઝેક રિપબ્લિકમાં ટાલિયા પુરુષોની વસ્તી સૌથી વધુ છે જ્યાં વસ્તીના 42.8 ટકા પુરુષો ‘બાલહીન’ છે. યુકે 39.23 ટકા સાથે પાંચમા અને યુએસ 37.9 ટકા સાથે આઠમા ક્રમે છે.
અમેરિકન હેર લોસ એસોસિયેશન (AHLA)ના જણાવ્યા મુજબ 95 ટકા પુરુષોમાં વાળ ગુમાવવાનું કારણ એન્ડ્રોજિનેટિક અલોપેસિયા હોય છે. આ લક્ષણ વંશાનુગત ઉતરી આવે છે, જેનાથી વાળનો જથ્થો ગુમાવવા સાથે પુરુષોની હેરલાઈન પાતળી થતી જાય છે. ખરેખર તો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ડાય હાઈડ્રો ટેસ્ટોસ્ટેરોન (ડીએચટી)ની સાથે જિનેટિક સંવેદનશીલતાના પરિણામે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.
ડીએચટી સાથે સંવેદનશીલ વાળની કોશિકાઓ સમય જતાં સંકોચાતી જાય છે અને કોશિકાઓ વાળનું ઉત્પાદન જ બંધ કરી દે ત્યાં સુધી દરેક વાળનું આયુષ્ય ઘટતું જાય છે. પુરુષોની વય વધવા સાથે ટેસ્ટોસ્ટેરોનનું રૂપાંતર ડીએચટીમાં થાય છે. AHLAના જણાવ્યા મુજબ 85 ટકા પુરુષોમાં 50 વર્ષની વય સુધીમાં વાળ પાતળા થતા જાય છે જ્યારે 25 ટકા પુરુષોમાં 21 વર્ષની વયે પહોંચે તે પહેલા ટાલ પડવાની શરૂ થઈ જાય છે.

ડર્મેટોલોજી એન્ડ થેરાપી જર્નલના 2019ના રિવ્યૂ અનુસાર વિટામીન B12 અને D, બાયોટિન, રિબોફ્લોવિન અને આર્યનની ઉણપ વાળની વૃદ્ધિને અટકાવી શકે છે. જે 21 દેશનું વિશ્લેષણ કરાયું હતું તેમાં ઓછામાં ઓછાં 25 ટકા વયસ્ક પુરુષોની વસ્તી નોંધપાત્રપણે ટાલ અથવા સંપૂર્ણપણે ટાલ ધરાવતી હતી. લોકોમાં આહારનું પરિબળ પણ મુખ્ય ગણાય છે. ઝેક રિપબ્લિકના લોકોમાં વિટામીન ડી ની ઉણપ મુખ્ય હતી.

પાંચમાં ક્રમે રહેલા યુકેમાં 2021ના સેન્સસ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 82 ટકા વસ્તી કોકેશિયન જાતિની છે. 60 ટકા બ્રિટિશરોમાં વિટામીન ડીની ઉણપ જોવાં મળે છે. 75થી વધુ વયના બ્રિટિશરોમાં 10માંથી એક વ્યક્તિમાં વિટામીન બી-12ની ઉણપ જોવાં મળે છે. આ જ રીતે, આઠમા ક્રમે રહેલા યુએસમાં 75 ટકા અમેરિકનો કોકેશિયન જાતિના છે જેમનામાં પોષક તત્વોની ઉણપ જણાય છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર 42 ટકા અમેરિકન્સમાં વિટામીન ડીની ઉણપ જણાય છે. આ યાદીમાં છેલ્લા ક્રમના ન્યૂ ઝીલેન્ડમાં પણ વસ્તી મુખ્યત્વે કોકેશિયન છે. બીજી તરફ, મૂળ પોલિનેશિયન ગ્રૂપની માઓરી વસ્તીમાં ટાલ પડવાનું ઓછું પ્રમાણ છે.

ટાલિયા નરનું સૌથી વધુ પ્રમાણ (મેટરમાં બોક્સ)

દેશ ટકાવારી

1. ઝેક રિપબ્લિક  42.8

2. સ્પેન  42.6

3. જર્મની 41.2

4. ફ્રાન્સ 39.24

5. યુકે 39.23

6. ઈટાલી 39.20

7. નેધરલેન્ડ્ઝ 39.0

8. યુએસ 37.9

9. કેનેડા  36.3

10. બેલ્જિયમ 36.0

11. સ્વિટ્ઝર્લેન્ડ 33.8

12. ઓસ્ટ્રેલિયા  32.8

13. સ્વીડન  32.7

14. ગ્રીસ  32.0

15. નોર્વે  31.8

16. ઓસ્ટ્રિયા  31.75

17. ડેનમાર્ક  31.03

18. પોર્ટુગલ  31.0

19. આયર્લેન્ડ  30.2

20. ફિનલેન્ડ  30.0

21. ન્યૂ ઝીલેન્ડ  29.0


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter