જિનિવા/વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના સંક્રમણનો આંકડો મંગળવારના અહેવાલ પ્રમાણે ૩૧૬૨૯૯૬૦ અને મૃત્યુઆંક ૯૭૧૮૦૩ નોંધાયો છે. વિશ્વમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા ૨૩૨૨૫૩૫૭ પહોંચી છે ત્યારે ચીનનાં શ્વાસને લગતા રોગોનાં નિષ્ણાત ઝોંગ નાનશાને તાજેતરમાં દાવો કર્યો છે કે, જો કોરોના વાઈરસને ફેલાતો રોકાય તો વિશ્વની ૬૦થી ૭૦ ટકા વસ્તી એટલે કે આશરે ૪ અબજ લોકો કોરોનાથી સંક્રમિત થશે અને ૬.૯૫ ટકા લોકોનાં મોત થશે. કોરોના મહામારીને રોકવા આખા વિશ્વમાં મોટાપાયે વેક્સિન લગાવવાનો કાર્યક્રમ ચલાવવો પડશે જે ૧થી ૨ વર્ષ ચાલશે.
સાઉદીમાં ભારતીયોની કફોળી સ્થિતિ
કોરોના વાઇરસની મહામારીને લીધે સાઉદીમાં ૪૫૦ ભારતીય મજૂરોએ જીવન ગુજરાત માટે માર્ગો પર ભીખ માગવી પડી રહી છે. તેમાંથી મોટાભાગના મજૂરોની વર્ક પરમિટ પૂરી થઇ ગઇ છે. એવામાં ત્યાં તેઓ ભીખ માગવા મજબૂર થયા છે. જોકે ત્યાંની લોકલ ઓથોરિટીને આ પસંદ નથી એવામાં તેમણે મજૂરોને ડિટેન્શન સેન્ટર મોકલી દીધા હતા. ભીખ માગનારા મજૂરો, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના જણાવાઇ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર મજૂરોની વર્ક પરમિટ પતી ગઇ છે અને લોકડાઉનની લીધે તે તેમના વતન પાછા ફરી શકી રહ્યાં નથી.
ધનિક દેશોની કોરોના વેક્સિન ખરીદી
સમગ્ર દુનિયાની ૧૩ ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરતા ધનિક દેશોના એક જૂથ દ્વારા ભવિષ્યમાં આવનારી કોરોનાની રસીના ૫૦ ટકા ડોઝ ખરીદી લેવાયા હોવાનું કહેવાય છે. ઓક્સફેમ દ્વારા તાજેતરમાં જારી રિપોર્ટમાં આ દાવો છે. આ રિપોર્ટ પછી ઓક્સફેમ અમેરિકાના રોબર્ટ સિલ્વરમેને જણાવ્યું કે, જીવન રક્ષક વેક્સિનની પહોંચ એ વાત ઉપર આધારિત ન હોવી જોઈએ કે તમે કયા દેશમાં રહો છો અને તમારી પાસે કેટલા પૈસા છે? એક સુરક્ષિત અને પ્રભાવી રસી બનાવવી અને તેને વહેંચવી મહત્ત્વની છે. બીજી તરફ એ બાબતની પણ ખાતરી કરવી જોઈએ કે કોરોનાની આ રસી દરેક સુધી પહોંચે કારણે કે આ મહામારી માત્ર એક જ દેશ કે જગ્યા પૂરતી સીમિત નથી. સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. ઓક્સફેમે જણાવ્યું કે, પાંચ વેક્સિન ઉત્પાદકો દ્વારા ૫.૯ બિલિયન ડોઝ તૈયાર કરવામાં આવશે. તેમાંથી ૨.૭ બિલિયન ડોઝ ગણતરીના ધનિક દેશો દ્વારા ખરીદવામાં આવ્યા છે જ્યાં દેશની માત્ર ૧૩ ટકા વસતી રહે છે.
તમામ અમેરિકનોને મફત રસી
અમેરિકી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, કોરોનાની રસી ઉપલબ્ધ થયા પછી તે તમામ અમેરિકનો માટે મફત ઉપલબ્ધ થશે. રસીની અસરકારકતા અને ઉપલબ્ધતાના આધારે રસી આપવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવાયું હતું કે, આગામી ત્રણ-ચાર અઠવાડિયામાં રસી બજારમાં આવી જશે.