નવી દિલ્હી: મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન થયાં તેમાં દેશ ઉપરાંત વિદેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઝાકઝમાળભર્યાં લગ્નની ચર્ચા જેટલી દેશમાં થઈ તેટલી જ વિદેશમાં પણ રહી હતી. જોકે અમેરિકા, બ્રિટન સહિત વિદેશી મીડિયાએ લગ્નમાં થયેલા ભારે ખર્ચા સામે સવાલ ઉઠાવાયા હતા.
સીએનએને જણાવ્યું હતું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો વૈવાહિક સમારોહ 29 ડિસેમ્બરે શરૂ થયો હતો જે જુલાઈમાં પણ જારી છે. ભારતમાં લગ્નસમારોહ ઘણા દિવસ સુધી ચાલવો
એ સામાન્ય બાબત છે પરંતુ સાત મહિના સુધી ચાલનારો સમારોહ જવલ્લે જ જોવા મળ્યો છે.
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને અંબાણી પરિવારની તુલના બ્રિટનના શાહી પરિવારથી કરી હતી. અખબારે કહ્યું કે 2018માં પરિવારે તેમની પુત્રીના લગ્નમાં 800 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આટલા રૂપિયા ભારતમાં કોઈ પણ લગ્નમાં ખર્ચ કરાયા નથી.
બીબીસીએ જણાવ્યું કે મુકેશ અંબાણી દુનિયાના દસમા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ આશરે 115 બિલિયન ડોલર છે. જોકે અંબાણીએ લગ્ન પાછળ કેટલો ખર્ચ કરાયો છે તે જણાવ્યું નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સે અંબાણી પરિવારના લગ્નને લઈ ભારતમાં આર્થિક અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અખબારે જણાવ્યું હતું કે આ લગ્ને ભારતના અમીરોની જિંદગીની ઝલક રજૂ કરી છે. ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને પ્રોત્સાહન આપનારી સરકારને કારણે દેશમાં અબજપતિઓની સંખ્યા પણ ઝડપથી વધી છે. ફોન નેટવર્ક, હોસ્પિટલોથી માંડીને સુપરમાર્કેટ સુધી તેમના નિયંત્રણમાં છે. કતારના મીડિયાગૃહ અલ જઝીરાએ જણાવ્યું કે અંબાણીના લગ્નમાં હદ બહાર ખર્ચ કરવામાં આવ્યો છે.