નવી દિલ્હી - સિંગાપોરઃ ટાટા ગ્રૂપની માલિકની એર ઇન્ડિયાની સાથેના મર્જરના પગલે ભારતમાં દસ વર્ષ જૂની વિસ્તારાની અંતિમ ફ્લાઇટ 11મી નવેમ્બરે ઉડશે. ભારત સરકારે સિંગાપોર એરલાઈનના એર ઇન્ડિયા ગ્રુપમાં રૂ. 2,058.5 કરોડના સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવાના પગલે મર્જરનો આ સોદો અંતિમ તબક્કામાં છે. આ મર્જરની જાહેરાત નવેમ્બર 2022માં કરાઇ હતી. મર્જરના પગલે સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયા ગ્રૂપમાં 25.1 ટકા હિસ્સો મેળવશે અને મર્જરના કારણે વિશ્વની સૌથી મોટી એરલાઇન્સમાંની એક એરલાઈન્સ અસ્તિત્વમાં આવશે. સિંગાપોર એરલાઈન્સે જણાવ્યું હતું કે એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરના ભાગરૂપે ભારત સરકારે એર ઈન્ડિયા ગ્રૂપમાં સીધા વિદેશી રોકાણની મંજૂરી આપી છે. બંને વચ્ચેના મર્જરની પ્રક્રિયાને પૂરી કરવામાં આ મંજૂરી જરૂરી છે. મર્જર આ વર્ષના અંતે પૂરુ થશે.