દમાસ્કસઃ સીરિયાને આખરે વીસ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટના આતંકથી મુક્તિ મળી છે. અમેરિકાના નેતૃત્વમાં સીરિયામાં આતંકવાદીઓ સામે લડતી અનેક દેશની સેનાએ બાગુજમાં આઇએસનો આખરી ગઢ ધ્વસ્ત કર્યો હતો. દરમિયાન આઇએસના આશરે ૨૫૦૦ આતંકીઓએ ૨૩મીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી, જેમને કુલ ૩૬ ટ્રકમાં અજ્ઞાત સ્થળે રવાના કરાયા હતા. આ આતંકીઓ એટલા ડરેલા હતા કે તેઓ સૈનિકો પર હુમલો કરવાને બદલે લાંબી કતાર લગાવીને શરણે આવ્યા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સીરિયામાં અમેરિકાના ૨૦૦ સૈનિક બચ્યા છે.
આઇએસનું રાજઃ દસ હજાર સભ્ય, નવ મથક, બે રાજધાની
અબુ બક્ર અલ બગદાદીએ ૧૯૯૯માં આઇએસની સ્થાપના કરી હતી. ઇસ્લામિક સ્ટેટનું પહેલું નામ ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવેન્ટ’ હતું. ત્યાર પછી તેનું નામ ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા’ રખાયું, પરંતુ બાદમાં તે ઇસ્લામિક સ્ટેટ તરીકે દુનિયામાં કુખ્યાત થયું.
વીસ દેશમાં ૭૦ હુમલાઃ ૪.૭ લાખનાં મોત
આઇએસએ વીસ દેશમાં ૭૦ મોટા આતંકી હુમલા કર્યા હતા, જેમાં કુલ ૪.૭ લાખના મોત થયાનું નિષ્ણાતો કહે છે. તેના આતંકને પગલે પાંચ લાખે દેશ છોડીને ભાગવું પડ્યું, જ્યારે એક લાખ લાપતા થયા. આઈએસના કારણે રૂ. પાંચ લાખ કરોડનું નુકસાન થયું. આઇએસ ઇરાક, સીરિયા સહિત ૧૭ દેશમાં સક્રિય હતું.