સેન્ટ્રલ અમેરિકાનો દેશ કોસ્ટા રીકા કુદરતી સૌંદર્ય અને તેના નેશનલ પાર્ક માટે વિખ્યાત છે. કોસ્ટા રીકામાં કુલ ૩૦ નેશનલ પાર્ક છે, પરંતુ આ બધામાં સૌથી વધુ પ્રસિદ્વ છે મેન્યુએલ એન્ટોનિયો પાર્ક. ૧૯૭૨માં વૃક્ષના આકારમાં બનાવાયેલો આ પાર્ક કુદરતી સુંદરતાથી ભરપૂર છે. સાત ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પાર્ક દુનિયામાં સૌથી વધુ જૈવ વિવિધતાથી ભરેલો છે. અહીં ૩૪૬ પ્રકારના વૃક્ષ, ૧૦૯ પ્રકારના સ્તનધારી જીવ અને ૧૮૪ પ્રજાતિના પક્ષી છે. દુનિયામાં વિલુપ્ત થવાની અણીએ પહોંચેલી વાનરોની કેટલીક દુર્લભ પ્રજાતિ પણ આ પાર્કમાં વસે છે. અહીં વસતાં અનેક પશુ-પક્ષી તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન)ના રેડ લિસ્ટમાં છે. અહીં દર વર્ષે દોઢ લાખ કરતાં પણ વધુ પ્રવાસી આવે છે, પરંતુ તેની સુંદરતા સ્થાનિક લોકોએ જાળવી રાખી છે. અહીંની કુદરતી સંપત્તિ સાથે છેડછાડ કરવાની કોઇને મંજૂરી નથી.