ઓટાવા: કેનેડામાં એક મોટો વર્ગ ઠેર ઠેર ધરણાં - વિરોધ પ્રદર્શન યોજીને કોરોના રસીનો વિરોધ કરી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન રવિવારે એ હદે તણાવ વધી ગયો હતો કે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમના પરિવાર સાથે ઘર છોડીને અન્યત્ર જતા રહેવા ફરજ પડી છે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શન બાદ જસ્ટિન ટ્રુડો ગુપ્ત જગ્યાએ જતા રહ્યા છે. વાસ્તવમાં, ટ્રુડો સરકારે યુએસ બોર્ડર પાર કરવા માટે ટ્રક ડ્રાઇવરોના રસીકરણને ફરજિયાત બનાવી દીધું છે. જેને લઈને ટ્રક ડ્રાઈવરોએ વિરોધ શરૂ કર્યો છે. વિરોધીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી છે.
૨૯મી જાન્યુઆરીએ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરતા લોકોએ વડા પ્રધાન ટ્રુડોની આકરી ટીકા કરી હતી. વિરોધ કરનારાઓમાંના એકે કહ્યું કે તેમને લાગે છે કે રસીકરણ ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ સરકાર દ્વારા વસ્તુઓને નિયંત્રિત કરવાની યુક્તિ છે. કેનેડામાં વિરોધ પ્રદર્શનો કેટલા ઉગ્ર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શનિવારે ૫૦ હજાર ટ્રક ડ્રાઈવરોએ રાજધાની ઓટાવામાં વડા પ્રધાનના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. લગભગ ૨૦ હજાર ટ્રકોના આ કાફલાને વિરોધીઓએ ‘ફ્રિડમ કોન્વોય’ નામ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ ટ્રકો ભેગા થવાની વિશ્વની આ સૌથી મોટી ઘટના છે. અહેવાલો અનુસાર, આ મહાકાય ટ્રકો સમગ્ર કેનેડામાંથી લગભગ એક સપ્તાહની મુસાફરી કર્યા બાદ રાજધાની ઓટાવા પહોંચ્યા છે.
દેખાવોને એલન મસ્કનું સમર્થન
દેખાવો કરી રહેલા ટ્રકચાલકોને ટેસ્લા કંપનીના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કનું પણ સમર્થન છે. મસ્કે ટ્વિટ કરીને કહ્યું છે કે કેનેડાના ટ્રકચાલકોનું શાસન અને તેમના આંદોલનની ગુંજ અમેરિકા સુધી દેખી શકાય છે.
ટ્રક ચાલકો ટ્રુડોથી નારાજ
મોટી સંખ્યામાં ટ્રકચાલકો શહેરમાં ઊમટી પડતાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. ઓટાવા જતાં રસ્તા પર ટ્રકોનો ૭૦ કિમી લાંબો કાફલો ચાલી રહ્યો છે. પ્રવાસીઓ તેથી હાલાકી વેઠી રહ્યા છે. ટ્રકચાલકોમાં નારાજગી એ વાતે વ્યાપી છે કે થોડા દિવસ પહેલાં વડા પ્રધાને વિવાદિત નિવેદન આપીને ટ્રકચાલકોને બિનમહત્ત્વના અલ્પસંખ્યક કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્રકચાલકો વિજ્ઞાન વિરોધી છે. તેઓ પોતાના માટે જ નહીં પણ કેનેડા માટે પણ ખતરારૂપ બનતા જાય છે.