બર્નઃ સિલ્કના કપડાંથી માંડીને સોનાના દોરાનું ભરતકામ ધરાવતા અને સાચા મોતીથી માંડી હીરામાણેકથી શોભતા વેડિંગ ગાઉન વિશે તો તમે એક યા બીજા સમયે વાંચ્યું જ હશે, પણ આ વેડિંગ ગાઉન તો એકદમ અનોખું છે. સ્વિસ બેકર નતાશાએ કેકમાંથી વેડિંગ ડ્રેસ તૈયાર કરીને વિક્રમ સર્જ્યો છે. ખાઇ શકાય તેવી આ કેકનું વજન લગભગ 131 કિલો હતું. આ કેકને વિશ્વની સૌથી મોટી પહેરી શકાય તેવી કેકનો એવોર્ડ એનાયત થયો છે. આ કામ માટે બેકરનું નામ ગિનીસ બુકમાં પણ નોંધાયું છે. નતાશા સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વીટી કેક્સ નામની બેકરી ચલાવે છે. તેણે આ અનોખો રેકોર્ડ સ્વિસ વેડિંગ ફેર દરમિયાન બનાવ્યો હતો. પહેરી શકાય તેવી આ કેક વેડિંગ ગાઉન જેવી હતી અને તેને લગ્નના ડ્રેસની જેમ જ ડિઝાઇન કરાયું હતું. આ વેડિંગ ગાઉન કેકને સમગ્ર વિશ્વમાંથી ભારે પ્રશંસા મળી છે. આ કેક બનાવવામાં માત્ર પરંપરાગત કેક ઘટકોનો ઉપયોગ કરાયો છે. કેકને સપોર્ટ કરવા માટે એલ્યુમિનિયમ ફ્રેમનો ઉપયોગ કરાયો હતો. એટલું જ નહીં, રેકોર્ડ બનાવવા માટે મોડેલે વેડિંગ ગાઉન કેક પહેરીને પહેરીને પાંચ મીટર રેમ્પવોક પણ કર્યું હતું.