કરાકાસઃ વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં વિપક્ષના નેતા જુઆન ગુઈદોએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધ રેલી યોજી હતી. સત્તાવાર સૂત્રો મુજબ રેલીમાં દેશભરથી લગભગ ૨.૫ લાખ લોકો સામેલ થયા હતા. ગુઈદોએ સેનાને માનવીય સહાયતા ન રોકવાની અપીલ કરી હતી. ખરેખર માદુરોના આદેશ પર સેનાએ સરહદે નાકાબંધી કરી અન્ય દેશોથી આવતી ખાદ્યસામગ્રી, દવાઓ અન્ય વસ્તુઓ અટકાવી દીધી છે. ગુઈદોનો દાવો છે કે જો માનવીય સહાયતા નહીં પહોંચે તો ત્રણ લાખ લોકો મૃત્યુ પામી શકે છે. દેશના ૨૦ લાખ લોકોનું સ્વાસ્થ્ય ખરાબ છે.
માદુરોએ કહ્યું કે તે કોઈની મદદ નહીં લે. તે એક પણ બાહ્ય સૈનિકને દેશમાં ઘૂસવા નહીં દે. એવું થવા પર અમેરિકાને સૈન્ય દખલની તક મળશે. ઉલ્લેખનયી છે કે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, સ્પેન, બ્રાઝિલ, કોલંબિયા, ઇઝરાયલ સહિત ૨૦ દેશ ગુઇદોના ટેકામાં છે. રશિયા, ચીન અને તુર્કીએ માદુરોને ટેકો આપ્યો છે.