વોશિંગ્ટનઃ વેપારયુદ્ધને હળવા બનાવવા અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ૩૦મી જાન્યુઆરીએ મંત્રણા શરૂ થઇ હતી. બંને દેશો એકબીજા સાથેના વેપારયુદ્ધની તીવ્રતા ઘટાડવા માગે છે. ચીનના નાયબ વડા પ્રધાન લિ હીએ બેઇજિંગના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ડિસેમ્બરમાં જાહેર કરાયેલી સમયમર્યાદાને હવે એક જ મહિનો બાકી છે ત્યારે બંને દેશો ફરીથી મંત્રણા કરવા માટે તૈયાર થયા છે. જો આ મંત્રણા નિષ્ફળ થશે તો ચીનની આાયત પરની ૨૦૦ અબજ ડોલર ઇમ્પોર્ટ ડયુટી ડબલ કરાશે. જો આમ થશે તો તેની સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર વિપરિત અસર પડશે.
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ બેઇજિંગે ‘મેઇડ ઇન ચાઇના ૨૦૨૫’ પ્લાન રજૂ કર્યું હતું. આ પ્લાન હેઠળ ચીન એરોસ્પેસ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી પેઢીના વાહનોના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનવા માગે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર જણાવ્યું છે કે, તે ચીનના તંદુરસ્ત અર્થતંત્રને આવકારે છે, પણ તે ઇચ્છતા નથી કે ચીન અમેરિકાને નુકસાન પહોંચાડીને આગળ વધે. બેઈજિંગ પર દબાણ વધારવા માટે વ્હાઇટ હાઉસે ચીનની આયાત પર ૨૫૦ અબજ ડોલરની આયાત ડયુટી નાંખી છે. બીજી તરફ ચીને પણ વળતો જવાબ આપતા અમેરિકાની ૧૧૦ અબજ ડોલરની વસ્તુઓ પર આયાત ડયુટી નાંખી છે.