મંગળ પરના જીવન વિશે ‘નાસા’ના વૈજ્ઞાનિકો દ્વારા સફળ પરીક્ષણ કરાયું છે. મંગળ ગ્રહના વાતાવરણને ધ્યાનમાં રાખીને સાકાર કરાયેલા માળખામાં 378 દિવસ વિતાવ્યા બાદ ‘નાસા’ના ચાર વૈજ્ઞાનિકો બહાર આવ્યા છે. માર્સ પ્રોજેક્ટના માધ્યમથી ‘નાસા’એ મંગળ પર માનવજીવનની સંભાવનાઓ વિશે રિસર્ચ કર્યું હતું. હ્યુસ્ટનમાં જ્હોન્સન સ્પેસ સેન્ટર ખાતે 160ચોરસ મીટરનું માળખું લાલ ગ્રહ મંગળના માહોલને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયું હતું. ‘માર્સ ડ્યુન આલ્ફા’ નામના આ થ્રી-ડી પ્રિન્ટેડ સ્ટ્રક્ચરમાં બેડરૂમ, જિમ અને વર્ટિકલ ફાર્મ ઉપરાંત બહારના ભાગે મંગળ જેવો જ લાલ રંગની માટીથી ભરેલો એક વિસ્તાર પણ હતો. નાથન જોન્સ, એન્કા સેલારીયુ, રોસ બ્રોકવેલ અને ટીમ લીડર કેલી હેસ્ટને એક વર્ષનો સમય અહીં શાકભાજી ઉગાડવામાં, મંગળ પર ચાલવાની તૈયારીઓ અને મંગળ ગ્રહ પર માનવજીવન કેવું હશે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં વિતાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેઓ માનવસંપર્કથી સંપૂર્ણ દૂર હતાં. ‘નાસા’ના એન્જિનિયરિંગ ડિરેક્ટર જુલી ક્રેમરે જણાવ્યું કે, આ પ્રોજેક્ટે તેમને જટિલ સિસ્ટમો વિશે શીખવાની તક આપી છે. જે તેમને મંગળ ગ્રહ પર પહોંચવા અને ત્યાંથી પરત ફરવામાં મદદ કરશે. ‘નાસા’એ 2025 અને 2027 માટે માર્સ મિશનનું આયોજન કર્યું છે.