ન્યૂ યોર્ક: વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને 16 બિલિયન ડોલર (આશરે રૂ. 1200 બિલિયન)ના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે. નીલ્સને અગાઉ 9 બિલિયન ડોલરની ઓફર ફગાવી દીધા પછી આ સોદો થયો છે. આ ડીલની પ્રક્રિયા ચાલુ વર્ષના બીજા છ મહિનામાં પૂરી થવાની ધારણા છે. તે કંપનીના શેરહોલ્ડર્સ અને નિયમનકારી સંસ્થાઓની મંજૂરીને આધીન છે. નીલ્સનની વૈશ્વિક આવક આશરે 3.5 બિલિયન ડોલર છે.
એવરગ્રીન કોસ્ટ કેપિટલ કોર્પ, ઇલિયોટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની સહયોગી કંપની અને બ્રુકફીલ્ડ બિઝનેસ પાર્ટર્સ સહિતના પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ નીલ્સનના દરેક શેર માટે 28 ડોલરનો ભાવ ચુકવશે. બ્રુકફિલ્ડ બિઝનેસ પાર્ટનર્સ પ્રિફર્ડ ઇક્વિટી મારફત 2.65 બિલિયન ડોલરનું રોકાણ કરશે, જેને નીલ્સનના 45 ટકા હિસ્સામાં કન્વર્ટ કરી શકાશે. આ સોદામાં ઇક્વિટી શેર મારફતના સોદાનું મૂલ્ય આશરે 10 બિલિયન ડોલર છે. બાકીનું નીલ્સનનું દેવું છે, જે ખરીદદારોના માથે આવશે. બ્રુકફિલ્ડે જણાવ્યું હતું કે તે આશરે 60 કરોડ ડોલરનું રોકાણ કરશે. બાકીનું ભંડોળ સંસ્થાકીય પાર્ટનર્સ પાસેથી મેળવવામાં આવશે.