ન્યૂ યોર્કઃ વોટ્સઅપ આવતા માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વોટ્સઅપ તેનો ડેટા પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વોટ્સઅપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યુ નથી આવ્યો, પરંતુ વોટ્સઅપ ડેટા ફેસબૂકને આપવા લાગે તો એ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે કેમ કે વારંવાર સાબિત થયું છે કે ફેસબૂકમાં ડેટા સલામત નથી રહેતો.
બીજી તરફ વોટ્સઅપ જગતની સૌથી લોકપ્રિય એપ છે, એટલે લોકો વોટ્સઅપની દાદાગીરી ચલાવીને તેનો વપરાશ કરે છે. જોકે માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ એપ વોટ્સઅપની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વોટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરતા.
સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વોટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેસબૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું.
આ ઓછું હોય તેમ ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વોટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. પછી તો દુનિયાભરમાં લાખો લોકોએ સિગ્નલ ડાઉનલોડ કરતા તેનું સર્વર ક્રેશ થઇ ગયું હતું. અનેક ટેકનોલોજી નિષ્ણાતોએ લખ્યુ છે કે વોટ્સઅપ કરતાં સિગ્નલ ક્યાંય સલામત છે.