લંડન: જો વ્યક્તિની જોબ પ્રાઇવેટ હોય તો તે થોડીક વધુ સારી કંપની મળતાં જ જોબ બદલી નાખે છે અને સારો પગાર તથા સારી પોઝિશન મેળવી લે છે. ખાસ કરીને આજની યુવા પેઢી તો દર બે વર્ષે નોકરી બદલે છે. તમે પણ કોઈ કંપનીમાં બહુ બહુ તો 10-15 વર્ષ કામ કર્યું હશે પરંતુ એક વ્યક્તિ એવી પણ છે જેણે એક જ કંપનીમાં 84 વર્ષ સુધી કામ કર્યું છે. આ સાથે, તેણે વિશ્વમાં સૌથી લાંબો સમય એક જ કંપનીમાં કામ કરવાનો રસપ્રદ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
બ્રાઝિલના વોલ્ટર ઓર્થમેને 84 વર્ષ એકધારું એક જ કંપનીમાં કામ કરીને ગિનીસ બુકમાં નામ લખાવ્યું છે. તેઓ પ્રથમ નોકરીથી છેક ગયા વર્ષે નિવૃત્તિ સુધી તેઓ એ જ કંપનીમાં કામ કરતા રહ્યા. 15 વર્ષની ઉંમરે તેઓ 17 જાન્યુઆરી 1938ના રોજ ટેક્સટાઈલ કંપની ઈન્ડસ્ટ્રીઆસ રેનોક્સમાં જોડાયા. વર્ષો વીત્યા, કંપનીનું નામ બદલાયું, પણ વોલ્ટર ત્યાં જ રહ્યા. ઈન્ડસ્ટ્રીઆસ રેનોક્સ કંપનીનું નામ બદલીને રેનોક્સ વ્યુ થયું. સમયાંતરે આખો સ્ટાફ બદલાઇ ગયો, પરંતુ વોલ્ટર ક્યાંય ન ગયા. સેલ્સમેન તરીકે નોકરીમાં જોડાયેલા વોલ્ટર સમયાંતરે પ્રમોશન મેળવીને સેલ્સ મેનેજર બન્યા ને તે પદ પર નિવૃત્ત થયા.
આ પહેલા કોઈ વ્યક્તિએ એક જ કંપનીમાં આટલો લાંબો સમય સળંગ જોબ કરી નથી. અભ્યાસમાં તેજ એવા વોલ્ટરે 15 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં જ વોલ્ટરે તેમનો 100મો જન્મદિવસ ઉજવ્યો છે, પરંતુ હજુ તે કંપની સાથે જોડાયેલા છે. હવે તો કંપની પણ તેમને છોડવાના મૂડમાં નથી. આ વિક્રમ અંગે વોલ્ટર કહે છે કે તે ભવિષ્ય કે ભૂતકાળ વિશે વધારે વિચારતો નથી. ન તો તે વધારે પ્લાનિંગ કરે છે, તે દરેક દિવસને એક પડકાર તરીકે લે છે, અને આ જ તેની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે.