વોશિંગ્ટનઃ એક વાચક લાઈબ્રેરીમાંથી 30 માર્ચ 1942ના રોજ ચાર્લ્સ નોરડોફ અને જેમ્સ નોર્મન હોલની બુક ‘ધ બાઉન્ટી ટ્રાયોલોજી’ લઈ ગયો હતો. આ ઘટનાના 81 વર્ષ બાદ લાઈબ્રેરીને આ પુસ્તક પાછું મળ્યું છે. લાઈબ્રેરીએ પોતાના ફેસબુક પેજમાં જણાવ્યું કે, એક વ્યક્તિને આ પુસ્તક જૂના સામાનમાં મળી આવતાં તેણે લાઈબ્રેરીને પાછું આપ્યું હતું. જે વ્યક્તિ આ પુસ્તક લઈ ગયો હતો, તે ફક્ત 17 પાના સુધી જ વાંચન કર્યું હતું.
લોકો ગ્રંથાલય જતાં હોય છે. પુસ્તકો વાંચતા હોય છે અને કેટલીક વાર પોતાને નામે પુસ્તક ઇશ્યૂ પણ કરાવીને ઘરે વાંચવા પણ લઇ જતા હોય છે. આવા પુસ્તક પોતાની પાસે રાખવાની એક સમયમર્યાદા પણ હોય છે. પુસ્તક સમયસર પરત કરવામાં ના આવે તો પ્રતિ દિવસના હિસાબે દંડ પણ થતો હોય છે. જોકે વોશિંગ્ટનની એબર્ડીન લાઇબ્રેરીમાં તાજેતરમાં એક વ્યક્તિ પુસ્તક પરત કરવા આવ્યો તો કર્મચારીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. પુસ્તક 30 માર્ચ 1942ના રોજ ઇશ્યૂ થયું હતું. અર્થાત પુસ્તક ઇશ્યૂ થયાના 81 વર્ષ પછી કોઈક પુસ્તક ગ્રંથાલયને પરત કરવા આવ્યું હતું.
લાઇબ્રેરીએ પોતાના ફેસબુક પેજ પર આ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ચાર્લ્સ નોરડોફ અને જેમ્સ નોર્મન હોલનું આ પુસ્તક ‘ધ બાઉન્ટી ટ્રાયોલોજી’ 81 વર્ષ પછી એબર્ડીન ટિમ્બરલેન્ડ લાઇબ્રેરીમાં પરત આવ્યું હતું. હકીકતે કોઈકને તે પુસ્તક જૂની સામગ્રીમાં પડેલું મળ્યું હતું.
પુસ્તક પર રસપ્રદ નોંધ
મીડિયા અહેવાલ મુજબ, જે વ્યક્તિએ પુસ્તક પોતાને નામે ઇશ્યુ કરાવ્યું હતું તેણે પાના નંબર 17 સુધી જ આ પુસ્તક વાચ્યું હતું. તે પાના પર વાચકે નોંધ લખી હતી કે, ‘જો મને પુસ્તક વાંચવા માટે પૈસા આપવામાં આવે તો પણ આ પુસ્તક તો ક્યારેય નહીં વાંચુ ’ અર્થાત પુસ્તક વાચકને પસંદ નહોતું પડ્યું.
લેટ ફી માફ થઈ!
ગ્રંથાલયના અધિકારીઓએ હિસાબ લગાવ્યો તો રવિવાર અને રજાઓના દિવસને બાદ કરતાં 1942ના રેટ મુજબ આશરે 490 ડોલર લેટ ફી થતી હતી. જોકે લાઇબ્રેરી મેનેજમેન્ટ કમિટીએ આ રકમ માફ કરી હતી. 1942માં પ્રતિદિન બે સેન્ટને હિસાબે ગ્રંથાલય દંડ વસૂલ કરતું હતું. કોવિડ મહામારીના સમયમાં લેટ ફી વસૂલવાનું બંધ રાખ્યું હતું.