નવી દિલ્હી: મુંબઈ આતંકવાદી હુમલાનાં 17 વર્ષ વીતી ગયાં બાદ મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી છે અને તે પૂછપરછ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, તહવ્વુર રાણા મુંબઈ હુમલા પહેલાં દુબઈમાં એક શખ્સને મળ્યો હતો. રાણાએ મુંબઈમાં આતંકવાદી હુમલાના પ્લાન બાબતે તેને બધી માહિતી જણાવી હતી. એનઆઈએનું માનવું છે કે રાણાની પૂછપરછ પછી મુંબઈ આતંકવાદી હુમલાના દુબઈ કનેક્શન વિશે પણ જાણકારી મળી જશે.
17 વર્ષની મહેનત સાકાર થઇ
ભારત છેલ્લા 17 વર્ષથી રાણા અને તેના સાથી ડેવિડ કોલમન હેડલીનું પ્રત્યાર્પણ કરવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. જોકે, હાલ તો હેડલીના કેસમાં ભારતને સફળતા મળી નથી. પરંતુ તહવ્વુર રાણાના કેસમાં અમેરિકાની લોઅર કોર્ટથી માંડને સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના દાવાને માનતા તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી.
મુંબઈ હુમલા પહેલાં રેકી કરનારા ડેવિડ હેડલીની મદદ કરનાર તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન છે. હવે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે, રાણા દુબઈમાં કોઈકને મળ્યો હતો. અમેરિકન દ્વારા અપાયેલા દસ્તાવેજો અનુસાર દુબઈના શખ્સને હુમલા અંગેની સમગ્ર માહિતી હતી. તે એ જાણતો હતો કે કોને કયું કામ સોંપવામાં આવ્યું છે.
એનઆઈએનાં સૂત્રો અનુસાર, હેડલી એટલે કે દાઉદ ગિલાનીએ તહવ્વુર રાણાને 2008માં ચેતવણી આપી હતી કે તે ભારત ન જાય. ત્યાર બાદ હેડલીએ તહવ્વુરને દુબઈમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી જેને હુમલા વિશે બધી ખબર હતી. એનઆઈએ એ જાણવાની કોશિશ કરે છે કે, તે વ્યક્તિ ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઇએસઆઇ), પાકિસ્તાની સેનાની ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલો હતો કે કેમ. એનઆઈએએ એ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખી છે. રાણાએ અમેરિકામાં પૂછપરછ દરમિયાન એ વ્યક્તિ વિશે જણાવેલું હતું. હવે અમેરિકાના આ બધા રિપોર્ટ્સ ભારત પાસે છે.
તહવ્વુરની વ્યાકુળતાઃ એક વર્ષમાં કેસ પતી જશે?
મુંબઈ 26/11ના મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને એનઆઇએની ટીમ સઘન પૂછપરછ કરી રહી છે, પણ, તહવ્વુર મોટા ભાગના સવાલોના જવાબો જો અને તોમાં આપી રહ્યો છે. એજન્સીના સવાલોથી ગભરાયેલો રાણા હવે કેસની સમગ્ર પ્રક્રિયા અને તેમાં લાગનારા સમય બાબતે વકીલને સવાલ પૂછવા લાગ્યો છે. રિપોર્ટ અનુસાર, જ્યારે રાણાએ પોતાના સરકારી વકીલોને પૂછ્યું કે શું કેસ એક વર્ષમાં પતી જશે? તો તેને જવાબ મળ્યો કે ના. માત્ર ચાર્જશીટ દાખલ કરવામાં જ એક વર્ષ લાગી શકે છે. આખી સુનાવણીમાં તો પાંચથી દસ વર્ષ સુધી થઈ શકે છે. આ સાંભળીને રાણા બેચેન થઈ ગયો હતો.
દાઉદની ભૂમિકા વિશે પણ તપાસ
પૂછપરછના દરમ્યાન દાઉદ ઇબ્રાહિમ સાથેના તેના સંપર્કો, ડેવિડ હેડલી સાથેના તેના ફોન કોલ્સ અને 2005 માં શરૂ થયેલા હુમલાના કાવતરા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તપાસમાં દુબઈના એક વ્યક્તિનું નામ પણ બહાર આવ્યું છે, જેના પર દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો હોવાની શંકા છે. એનઆઈએ રાણાના લશ્કર-એ-તૈયબા સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે. એનઆઈએ રાણાની ફોન વાતચીતના રેકોર્ડની તપાસ કરી રહી છે. આમાંના મોટાભાગના કોલ્સ અન્ય આરોપી ડેવિડ હેડલી સાથેના છે. કેન્દ્રીય તપાસકર્તાઓને શંકા છે કે આ ફોન વાતચીતમાં દાઉદની સંડોવણીના સંકેતો હોઈ શકે છે.
અન્ય શહેરોમાં પણ હુમલાનું કાવતરું
એનઆઇએનાં અધિકારીઓએ દિલ્હીની ખાસ કોર્ટમાં સનસનાટીભર્યા અહેવાલો રજૂ કર્યા હતા કે તહવ્વુર રાણા મુંબઈની જેમ અન્ય શહેરોમાં પણ આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. એનઆઈએના અનુમાન મુજબ મુંબઈ હુમલાનું આયોજન 2005થી કરવામાં આવી રહ્યું હતું. રાણા પણ તે યોજનાનો એક ભાગ હતો. હેડલીની તેની સાથેની ફોન વાતચીતની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ માહિતી એક જ સ્ત્રોતમાંથી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનઆઈએ એ સ્પષ્ટપણે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે મુંબઈ હુમલાનું આયોજન કોણ કરી રહ્યું હતું અને પડદા પાછળ કોણ કામ કરી રહ્યું હતું.
રાણાની પૂછપરછ દરમ્યાન, તપાસકર્તાઓને એક નવું નામ મળી ગયું છે. દુબઈના એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે જે હેડલીના કહેવા પર રાણાને મળ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે આ વ્યક્તિને મુંબઈ હુમલા વિશે જાણકારી હતી. મુંબઈ હુમલાના થોડા દિવસ પહેલા તહવ્વુર રાણા અને તેની પત્ની ભારત આવ્યા હતા અને તેમણે ઘણી જગ્યાએ મુસાફરી કરી હતી. એનઆઈએને શક છે કે તેઓ મુંબઈ ઉપરાંત ભારતના અનેક શહેરમાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ ભારત પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે પણ પહોંચ્યા હતા.
કસ્ટડીમાં રાણાની ત્રણ માગણી
પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક રાણા લાંબા સમયથી અમેરિકન જેલમાં હતો. ગયા ગુરુવારે તેમને ભારત લાવવામાં આવ્યા પછી એનઆઈએએ તેને કસ્ટડીમાં લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણાએ કસ્ટડીમાં કાગળ, પેન અને કુરાનની માગણી કરી છે જે સંતોષવામાં આવી છે. રાણા પોતાને ધર્મચુસ્ત તરીકે રજૂ કરી રહ્યો છે. પેનથી તે પોતાને નુકસાન ન પહોંચાડે ન તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉપરાંત રાણાને દિલ્હી લીગલ સર્વિસીસ દ્વારા નિયુક્ત વકીલને દર એક દિવસે મળવાની મંજૂરી મળી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે રાણાને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નથી અપાઈ રહી. તમામ કાનૂની અને સ્વાસ્થ્ય નિયમો અનુસાર કરાઈ રહ્યું છે. રાણાને દર 48 કલાકે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.
એનઆઇએના ત્રણ અધિકારીઓની મહત્ત્વની ભૂમિકા
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવા માટે એનઆઇએની એક વિશેષ ટીમ દ્વારા મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. આ ટીમમાં ઝારખંડ પોલીસ કેડરના 1997 બેચના આઇપીએસ અધિકારી આશીષ બત્રા સામેલ છે. તેઓ હાલ એનઆઇએમાં આઇજીના હોદ્દા પર છે. ટીમના બીજા મહત્ત્વના સભ્ય જયા રાય છે. રાય 2011ની બેચના ઝારખંડ કેડરના આઈપીએસ અધિકારી છે તેઓ હાલ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલના હોદ્દા પર છે. તેઓ એનઆઇએમાં હાલ સીનિયર પબ્લિક રિલેશન ઓફિસર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ત્રીજા અધિકારી તરીકે છત્તીસગઢ કેડરના 2019ની બેચના આઇપીએસ અધિકારી પ્રભાત કુમાર છે. પ્રભાત કુમાર હાલ એનઆઇએમાં એસપી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ દિલ્હી એરપોર્ટથી એનઆઇએના વડામથક સુધી રાણાને લઇ જવા માટેના ઓપરેશનના કોઓર્ડિનેટર પણ હતા. આ ટીમે અમેરિકામાં તમામ કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ રાણાની ધરપકડ કરી હતી અને તેને વિશેષ વિમાન વડે દિલ્હી લાવ્યા હતા.