નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે 33 મહિના લાંબા સરહદ વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે દેખીતી રીતે વ્યૂહાત્મક કારણોસર ચીન સાથેની ઉત્તરીય સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે લદ્દાખ ક્ષેત્રમાં 135 કિલોમીટરમાં ફેલાયેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચુશુલ-ડુંગટી-ફુકચે-ડેમચોક રોડ પર કામગીરી ગયા મહિને શરૂ થઈ હતી. ચીન સાથેની સરહદે સૈનિકોની જાળવણી માટે જરૂરી 16 મુખ્ય પાસ વિક્રમી સમયમાં અને છેલ્લાં વર્ષો કરતાં ઘણા વહેલા ખોલવામાં આવ્યા છે. તેનાથી જંગી ભંડોળની બચત થઈ છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખના સરહદી વિસ્તારો સાથેના કેટલાક પર્વતીય માર્ગો શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે બંધ કરવા પડે છે.
સરકારની પ્રાથમિકતાની વિગત આપતા જયશંકરે જણાવ્યું હતું કે ચીન સાથેની સરહદો પર 2014થી 2022 દરમિયાન 6,806 કિમીના રોડનું નિર્માણ થયું છે, જે 2008થી 2014 દરમિયાન નિર્માણ કરાયેલા 3,610 કિમી રોડ કરતાં બમણા છે. બ્રિજ નિર્માણના કિસ્સામાં 2004થી 2022 દરમિયાન કુલ 22,439 મીટર્સના બ્રિજ બાંધવામાં આવ્યા છે. આની સામે 2008થી 2014 દરમિયાન કુલ 7,270 મીટર્સના બ્રિજ બંધાયા હતા.
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે 13,700 ફૂટની ઉંચાઈ પર આવેલા બલીપારા-ચારદુર-તવાંગ રોડ પર સેલા ટનલનું નિર્માણ કરાયું છે તેનાથી ભારતીય સેનાને તવાંગ નજીકની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી ઓલ-વેધર કનેક્ટિવિટી મળશે. તેમાં 1,790 મીટર અને 475 મીટરની બે ટનલો છે.