ટોક્યોઃ જાપાનનાં ૧૦૦ વર્ષીય વૃદ્ધા મિકો નાગાઓકાએ તરણસ્પર્ધામાં ભાગ લઇને ૧ કલાક ૧૫ મિનિટ ૫૪.૩૯ સેકન્ડમાં ૧૫૦૦ મીટર તરીને વિજય પ્રાપ્ત કર્યો છે. વાત અહીં પૂરી થતી નથી. હાલમાં તેમના નામે ૨૪ વિશ્વ વિક્રમ નોંધાયેલા છે અને હજી વધુ મેડલ જીતવાની આશા રાખે છે.
૧૯૧૪માં જન્મેલાં મિકોએ ઘૂંટણની ઈજાની સારવાર દરમિયાન ૮૨ વર્ષની ઉંમરે તો તરતાં શીખવાનું શરૂ કર્યું હતું. ઘૂંટણ માટે જરૂરી કસરત કરવા તેમણે દરરોજ સ્વીમિંગ પૂલમાં તરવા જવાનું શરૂ કર્યું, અને પછી તો તેમને સ્વીમિંગનો ચસ્કો લાગ્યો. આજે મિકો જાપાનનાં સૌથી વયોવૃદ્ધ સ્વીમર છે.
મિકો નાગાઓકા નૃત્યકાર છે અને નૃત્યકળા માટે જરૂરી ફિટનેસ જાળવવામાં સ્વીમિંગ તેમને બહુ ઉપયોગી સાબિત થયું છે. ૨૦૦૨માં ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ખાતે યોજાયેલી માસ્ટર્સ વર્લ્ડ તરણ સ્પર્ધામાં ૮૨ વર્ષની ઉંમરે પ્રથમવાર ભાગ લઇ તેમણે બ્રોન્ઝ મેડલ મળવ્યો હતો. જ્યારે ૨૦૦ મીટર તરણસ્પર્ધામાં તેમણે ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. જાપાનમાં રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને ૯૦ વર્ષની ઉંમરે તેમણે ભારે નામના મેળવી હતી. તે સમયે તેઓ ૮૦૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વીમિંગમાં વિજેતા બન્યાં હતાં.
આ પછી તેમણે ખાનગી કોચ પાસેથી વધુ શિક્ષણ મેળવવાનું શરૂ કરીને તરવામાં વધુ કૌશલ્ય કેળવ્યું.
૯૫ વર્ષની ઉંમરથી તેઓ સ્વીમિંગમાં મોખરાનું સ્થાન મેળવવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે. મિકો નાગાઓકા સપ્તાહમાં ચાર દિવસ તરવાની પ્રેક્ટિસ કરે છે. તરવાની કળા આમ જૂઓ તેને પારિવારિક વારસામાં મળેલી છે અને તે પોતાના પૌત્રો-પ્રપૌત્રોને પણ તરવૈયા બનવા પ્રોત્સાહન આપે છે.